નવસારીમાં કરોડોની જમીન પચાવવાનો કારસો:બોગસ દસ્તાવેજ બનાવી ₹30 લાખની ખંડણી, બે સામે ગુનો

Gujarat5/28/2026, 12:23:20 PM
નવસારીમાં કરોડોની જમીન પચાવવાનો કારસો:બોગસ દસ્તાવેજ બનાવી ₹30 લાખની ખંડણી, બે સામે ગુનો
જલાલપોર તાલુકાના પોંસરા ગામે કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે બોગસ પેઢીનામું અને દસ્તાવેજો ઊભા કરી, જમીનના કાયદેસરના વહીવટકર્તા અને ખરીદનાર પાસે કુલ રૂ. 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી. નાયબ પોલીસ અધીક્ષક (વાપી) દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત તપાસના અંતે ગુનો સાબિત થતાં, સુરત અને લાજપોરના બે શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાજપોરના રહેવાસી અને ખેતીકામ કરતા 52 વર્ષીય અબુબકર અબ્દુલ રહેમાન મુસા બુલબુલીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પોંસરા ગામે બ્લોક નં. 43 વાળી જૂની શરતની જમીન સરકારી રેકોર્ડ પર ખતીજાબેનના નામે હતી. આ જમીનનો કબજો અને વહીવટ પેઢીઓથી અબુબકરના પરિવાર પાસે હતો. ડિસેમ્બર-2024માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે રહેતી આયેશા મુસા વલી નામની મહિલાએ પોતાને મૂળ માલિકની પુત્રી દર્શાવી, મામલતદાર કચેરીમાં વારસાઈની કાચી નોંધ નં. 5578 પડાવી લીધી હતી. આ બાબતે અબુબકરે નાયબ કલેક્ટર (પ્રાંત) નવસારી સમક્ષ વાંધા અરજી દાખલ કરી હતી. કોર્ટે આયેશા મુસા વલીની કાચી નોંધ ના-મંજૂર કરી નવેસરથી નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો. ગયા વર્ષે માર્ચ-2025માં ફરિયાદી અબુબકર પોતાના ખેતરમાં હાજર હતા, ત્યારે આયેશા મુસા વલીના પાવર ઓફ એટર્ની ધારક મોંહમદ નઇમ શબ્બીર અહેમદ મારબલવાલા (રહે. રાંદેર, સુરત) ત્યાં આવ્યા હતા. તેમણે ધમકી આપતા જણાવ્યું કે, "જો તમે મને ₹15,00,000 આપો, તો હું નાયબ કલેક્ટરના હુકમ વિરૂદ્ધ કલેક્ટરમાં અપીલ નહીં કરું અને તમે આ જમીન વેચીને લાખો રૂપિયા કમાઈ શકશો." ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ કલેક્ટર કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી હતી, જે હાલ પેન્ડિંગ છે. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીને રોડ પર આંતરીને જેલમાં પુરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન, જમીનના અસલી વારસદાર ઝહીદા ઇકબાલે પોતાના નામે વારસાઈ નોંધ નં. 5631 પ્રમાણિત કરાવી કાયદેસર રીતે આ જમીન ભાવેશ ગુણવંતરાય ભગત (રહે. વાપી)ને વેચી દીધી હતી. હાલ આ જમીનનો વહીવટ અને સંભાળ ફરિયાદી અબુબકર કરે છે.
Read Original Article →