નવસારીમાં ભાજપના ગઢમાં ગાબડું:ટિકિટ ન મળતા મીરલ પટેલ, પ્રીતિ અમીન કોંગ્રેસમાં જોડાયા
નવસારી વિજલપોર નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર પ્રીતિ અમીન અને પ્રદેશ સ્તરના યુવા નેતા મીરલ પટેલ સહિતના કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ પક્ષાંતરથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 13ના પૂર્વ ભાજપી કોર્પોરેટર પ્રીતિ અમીને ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. તેમણે હવે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બીજી તરફ, ભાજપના પ્રદેશ સ્તરના યુવા નેતા અને IT સેલના મજબૂત સ્તંભ ગણાતા મીરલ પટેલે પણ બળવો કર્યો છે. તેઓ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભાજપમાં સક્રિય હતા અને IT સેલ તેમજ યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ જવાબદારી નિભાવી ચૂક્યા છે. મીરલ પટેલે હવે વોર્ડ નંબર 5 માંથી કોંગ્રેસ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાં જોડાયેલા આ નેતાઓએ ભાજપની કાર્યપદ્ધતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે વર્ષોથી પક્ષ માટે કાર્યરત હોવા છતાં છેલ્લી ઘડીએ ટિકિટ કાપવામાં આવતા તેઓ નારાજ હતા. એક ઉમેદવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં વિકાસના કામો યોગ્ય રીતે થયા નથી, જેના કારણે જનતામાં રોષ છે. નવસારી ભાજપના આ આંતરિક વિખવાદનો સીધો ફાયદો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મળી શકે છે.
Read Original Article →