નવસારીની બેંક ઓફ બરોડામાં ગોલ્ડ લોન કૌભાંડ:નકલી સોના પર 18.49 લાખની લોન મેળવનાર વેલ્યુઅર સહિત 5 સામે ગુનો દાખલ, નોટિસો આપવા છતાં નાણાં ન ભર્યા
દક્ષિણ ગુજરાતના નવસારીમાં ગોલ્ડ લોનના નામે બેંક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જલાલપોર સ્થિત રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડાની શાખામાં 4 ગ્રાહકોએ બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરૂં રચ્યું હતું અને નકલી સોના પર લાખો રૂપિયાની લોન મેળવી લીધી હતી. આ મામલે બેંકના વર્તમાન મેનેજર પૌરસ ભાઠેનાએ જલાલપોર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત કાવતરૂં અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તત્કાલીન મેનેજરના સમયમાં ખેલાયો ખેલ
ફરિયાદની વિગતો મુજબ, વર્ષ 2022 દરમિયાન જલાલપોર બેંક ઓફ બરોડાની શાખામાં શાશ્વત રાજેન્દ્ર ચૌધરી બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 વચ્ચે 4 ₹શખસો બેંકમાં ગોલ્ડ લોન લેવા માટે આવ્યા હતા. જેમાં રાજેશ ગોવિંદ પરમાર (રહે. વિજલપોર, નવસારી), સુરેશ કવલધારી યાદવ (રહે. વિજલપોર રોડ, નવસારી), મૌલિક ઠાકોર ટંડેલ (રહે. જહાંગીરપુરા, સુરત) અને રામસિંગ જગદિશ નિર્મલ (રહે. ઘેલખડી, નવસારી)નો સમાવેશ થાય છે. વેલ્યુઅરે નકલી સોનાને અસલી હોવાનું સર્ટિફિકેટ આપ્યું
આ ચારેય ₹શખસોએ સોનાના દાગીના રજૂ કરી લોનની પ્રક્રિયા હાથ ધરી હતી. બેંકના નિયમ મુજબ, બેંક દ્વારા અધિકૃત કરાયેલા ગોલ્ડ વેલ્યુઅર જીતેન્દ્રકુમાર ધનજી કોરાટ (રહે. કમલપાર્ક સોસાયટી, જલાલપોર) પાસે આ દાગીનાની ખરાઈ કરાવવામાં આવી હતી. વેલ્યુઅર જીતેન્દ્ર કોરાટે આ તમામ નકલી દાગીના સાચા હોવાનું ખોટું પ્રમાણપત્ર (ગોલ્ડ એપ્રેઝલ મેમો) આપ્યું હતું. જેના આધારે તત્કાલીન મેનેજરે કુલ 535.03 ગ્રામ વજનના દાગીના પર ₹18,49,500 ની ગોલ્ડ લોન મંજૂર કરી દીધી હતી. ઓડિટ અને રી-વેલ્યુએશનમાં ફૂટ્યો ભાંડો
ડિસેમ્બર 2022માં બેંકની રીજનલ ઓફિસ નવસારી દ્વારા ઓડિટ અંતર્ગત લોન પર લેવાયેલા દાગીનાનું રી-વેલ્યુએશન કરાવવાનો આદેશ કરાયો હતો. રીજનલ ઓફિસના અધિકૃત વેલ્યુઅર નીતિન નાનકરામ સંગતાણી પાસે જ્યારે આ દાગીનાની ફરી તપાસ કરાવી, ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જ સોનું ખોટું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બેંક સત્તાધીશોએ પ્રથમ વેલ્યુઅર જીતેન્દ્ર કોરાટ અને બેંક સ્ટાફની હાજરીમાં નવસારી મોટા બજાર ખાતે આવેલી 'શ્રી નાગનાથ ગોલ્ડ એન્ડ સિલ્વર ટેસ્ટિંગ લેબોરેટરી' માં દાગીનાનું લેબ ટેસ્ટિંગ કરાવ્યું હતું. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે દાગીના સોનાના નહીં, પરંતુ ચાંદી, કોપર (તાંબુ), ઝીંક (જસત), લીડ અને નિકલ જેવી ધાતુના બનેલા હતા, જેના પર માત્ર સોનાનું પાણી ચઢાવી '22K916' નો નકલી હોલમાર્ક મારવામાં આવ્યો હતો. વ્યાજ સાથે આંકડો 21 લાખને પાર
બેંકને છેતરપિંડીનો અહેસાસ થતાં જ તત્કાલીન મેનેજરે ચારેય લોન ધારકો અને વેલ્યુઅરને અવારનવાર કાયદેસરની નોટિસો ફટકારી લોનની રકમ તાકીદે ભરપાઈ કરવા જણાવ્યું હતું. જો કે, આરોપી રાજેશ પરમારે માત્ર ₹ 2,00,000 બેંકમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના આરોપીઓએ આજદિન સુધી એક પણ રૂપિયો ભરપાઈ કર્યો નથી. હાલની સ્થિતિએ વ્યાજ અને અન્ય ચાર્જ મળીને બેંકની લેણી નીકળતી કુલ રકમ ₹ 21,39,256 પર પહોંચી ગઈ છે. પોલીસ તપાસ શરૂ
બેંકના વર્તમાન મેનેજર પૌરસ ભાઠેનાએ આખરે આ મામલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ચારેય લોન ધારકો અને ખોટું સર્ટિફિકેટ આપનાર વેલ્યુઅર જીતેન્દ્રકુમાર કોરાટ વિરૂદ્ધ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરૂં રચી, બેંક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કે આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારી કે અન્ય ₹શખસોની સંડોવણી છે કે કેમ.
Read Original Article →