નવસારી કોર્ટે બેંક મેનેજરને 3 વર્ષની જેલની સજા ફટકારી:ગ્રાહકોના ₹1.18 કરોડની ઉચાપત બદલ સજા, 25 હજારનો દંડ

Gujarat5/28/2026, 5:58:17 AM
નવસારી કોર્ટે બેંક મેનેજરને 3 વર્ષની જેલની સજા ફટકારી:ગ્રાહકોના ₹1.18 કરોડની ઉચાપત બદલ સજા, 25 હજારનો દંડ
નવસારીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બેંકિંગ ક્ષેત્રે ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના ઉચાપત કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શનાબેન દેસાઈને ગ્રાહકોના ₹1.18 કરોડની ઉચાપત કરવા બદલ 3 વર્ષની સાદી કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. આ કૌભાંડ વર્ષ 2015માં પ્રકાશમાં આવ્યું હતું. દર્શનાબેન દેસાઈએ પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ (FD) અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઊભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ ₹1.18 કરોડની રકમની ઉચાપત કરી હતી. આ મામલે વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસ નવસારીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ (APP) જીતેન્દ્રભાઈ યાદવે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીના આધારે સાબિત કર્યું કે ગ્રાહકોના નાણાંની સુરક્ષાની જવાબદારી ધરાવતા મેનેજરે જ આ ગંભીર આર્થિક ગુનો આચર્યો છે. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પોલીસ તપાસના કાગળોને ગ્રાહ્ય રાખીને આરોપી દર્શનાબેન દેસાઈને દોષિત ઠેરવ્યા હતા. બેંક મેનેજરને સજા થતાં બેંકિંગ આલમ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Read Original Article →