નવસારીમાં આદિવાસી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ:સાંસદ ધવલ પટેલે હાજરી આપી, ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
નવસારીમાં આયોજિત 'આદિવાસી પ્રીમિયર લીગ' (APL) ક્રિકેટ ટુર્નામેન્ટની આજે ફાઇનલ મેચ યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોની ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સામાજિક ઉત્થાનના હેતુથી આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ફાઇનલ મેચમાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન ગાંધી કોલેજ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમો વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો.
આદિવાસી પ્રીમિયર લીગ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ એક વ્યાપક સામાજિક વિઝન રહેલું છે. ટુર્નામેન્ટના વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સંગઠિત કરવાનો છે. ટુર્નામેન્ટ દ્વારા પ્રાપ્ત થનાર આર્થિક લાભનો ઉપયોગ ગ્લોબલ ગ્રાસરૂટ વિકાસ ટ્રસ્ટ (GGVT) દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્લાસીસ શરૂ કરવા માટે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹66,666 રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ ટીમને ₹44,444 રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન મનહર દોઢિયા (ડોડિયા), વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલ અને સેક્રેટરી (GGVT કન્વીનર) તેજસ પટેલની આગેવાની હેઠળની ટીમ કાર્યરત હતી. ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગરાસીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આદિવાસી પ્રીમિયર લીગની ફાઇનલ નિમિત્તે હું સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમણે ઉમેર્યું હતું કે, આ ટુર્નામેન્ટ થકી સમાજનું સંગઠન મજબૂત બનશે, એકતા વધશે અને ખેલાડીઓ શારીરિક તેમજ માનસિક રીતે વધુ સક્ષમ બનશે. આનાથી તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવશે અને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે યોગ્ય માધ્યમ મળશે.
Read Original Article →