ઈરાનમાં ફસાયેલા નવસારી-વલસાડના માછીમારો વતન પરત:સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે સફળ રેસ્ક્યુ કર્યું

Gujarat4/12/2026, 12:55:15 PM
ઈરાનમાં ફસાયેલા નવસારી-વલસાડના માછીમારો વતન પરત:સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે સફળ રેસ્ક્યુ કર્યું
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી નવસારી અને વલસાડ જિલ્લાના અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. રોજગારી મેળવવાના હેતુથી નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો ઈરાન ગયા હતા. પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. સંદેશાવ્યવહાર અને સુરક્ષાના અભાવે આ માછીમારો ત્યાં અટવાઈ પડ્યા હતા, જેને લઈ તેમના સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. માછીમારોના પરિવારોએ આ મુશ્કેલી અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સાંસદે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત, તેમણે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સતત સંપર્ક જાળવ્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધી માછીમારોની સુરક્ષિત વાપસી માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો. સફળ વતન વાપસી બાદ માછીમારોએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, ત્યાંની પરિસ્થિતિ જોતા ઘરે પરત આવવાની આશા ઓછી હતી, પરંતુ સરકારના હસ્તક્ષેપને કારણે તેઓ આજે જીવતા પાછા આવ્યા છે. પરિવારોએ માછીમારોને પરત લાવવા બદલ સાંસદ ધવલ પટેલ અને મોદી સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. ફસાયેલા માછીમારોની બીજી બેચ સ્વદેશ આવી આ પહેલા આજે 12 એપ્રિલે સવારે ઈરાનથી પરત ફરેલા 312 ભારતીય માછીમારોનું કેન્દ્રીય મંત્રી ગોયલ અને ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભાજપના પદાધિકારીઓ સાથે મળીને શનિવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંઘર્ષગ્રસ્ત ઈરાનથી પરત આવેલા 312 ભારતીય માછીમારોનું સ્વાગત કર્યું હતું. તાજેતરમાં અત્યાર સુધી ઈરાનથી 345 માછીમારો સુરક્ષિત રીતે ચેન્નાઈ પરત ફર્યા છે, ફસાયેલા માછીમારોને દેશમાં પરત લાવવાની આ બીજી બેચ છે. શનિવારે પરત ફરનારામાં 73 માછીમારો ગુજરાતના શનિવારે ચેન્નાઈ પહોંચેલા માછીમારોમાંથી 222 તમિલનાડુના, 73 ગુજરાતના, 9 કેરળના અને આઠ અન્ય રાજ્યોના છે. તમિલનાડુના માછીમારોમાં 104 કન્યાકુમારી જિલ્લાના, 30 તૂતીકોરીનના, 35 તિરુનેલવેલીના, 7 નાગાપટ્ટિનમના અને 4 મયિલાદુથુરાઈ સહિત અન્ય જિલ્લાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશના દરિયાકાંઠાના વિસ્તારોના 1000થી વધુ ભારતીય માછીમારો ઈરાનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે તેઓ રોજગારી વિના ત્યાં ફસાઈ ગયા હતા, જેના પગલે તેમના પરિવારના સભ્યોએ તાત્કાલિક હસ્તક્ષેપ માટે અપીલ કરી હતી. 'ઈરાન અને આર્મેનિયામાં ભારતીય દૂતાવાસોના પ્રયત્નો સફળ' માછીમારોનું સ્વાગત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા મંત્રી ગોયલે જણાવ્યું હતું કે, ઈરાન અને આર્મેનિયામાં ભારતીય દૂતાવાસોના પ્રયત્નો અને સહયોગથી ફસાયેલા કામદારોને ઈરાન-આર્મેનિયા સરહદ પાર કરાવીને ભારત લાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમની ટીમ માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત તેમના સંપર્કમાં હતી. તેમણે કહ્યું, "દૂતાવાસે તેમને આર્મેનિયા લઈ જવામાં સંકલન કર્યું હતું, જ્યાંથી તેમને પાછા લાવવા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ દેશના ભલે અલગ-અલગ ભાગોના હોય, પરંતુ રાષ્ટ્ર અને એકતાની ભાવના તેમને જોડે છે." ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, માછીમારોનો ફ્લાઈટનો ખર્ચ તેમજ ચેન્નાઈથી તેમના વતન સુધીના પ્રવાસનો તમામ ખર્ચ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
Read Original Article →