મરઘાં નષ્ટ:નવાપુરમાં ત્રણ તબક્કામાં 4 લાખથી વધુ મરઘાં નષ્ટ, પોલ્ટ્રી ઉદ્યોગને 10 કરોડથી વધુનો ફટકો
નવાપુર તાલુકામાં ત્રીજી વખત બર્ડ ફ્લૂએ માથું ઊંચકતા અહીંનો પોલ્ટ્રી ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે. તંત્ર દ્વારા અત્યંત સતર્કતા દાખવીને વાયરસના સંક્રમણને રોકવા માટે ત્રણ તબક્કામાં ‘કલિંગ ઓપરેશન’ હાથ ધરાયુ છે. છેલ્લા 15 દિવસમાં જ તંત્રએ લાલ આંખ કરીને કુલ 15 પોલ્ટ્રી ફાર્મના લાખો પક્ષીઓ, ઇંડા અને અનાજનો જથ્થો જમીનમાં ઊંડો દાટીને નષ્ટ કરી દીધો છે. બર્ડ ફ્લૂના આ મોટા સંકટને કારણે નવાપુરના પોલ્ટ્રી વેપારીઓને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ગત 30 એપ્રિલના રોજ નવાપુરમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારપછી તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવીને 1 કિલોમીટરની ત્રિજ્યામાં કલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રથમ તબક્કામાં 12 પોલ્ટ્રી વિસ્તારમાંથી 9 પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓ નષ્ટ કરાયા. બીજા તબક્કામાં 7 પોલ્ટ્રી વિસ્તારોમાંથી 4 પોલ્ટ્રી ફાર્મમાં કામગીરી કરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં નવાપુર શહેર નજીક લહાન ચિંચપાડા વિસ્તારમાં આવેલા "રિચી પોલ્ટ્રી ફાર્મ’ અને "ન્યૂ શાંતિ પોલ્ટ્રી ફાર્મ’ના પક્ષીઓના સેમ્પલ તપાસ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ બંને ફાર્મના રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગઈકાલે ત્યાં તાબડતોબ ત્રીજા તબક્કાનું કલિંગ ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું.પશુપાલન વિભાગના ડેપ્યુટી કમિશનર (ઉપાયુક્ત) સંજય ખાચણેએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, અન્ય પોલ્ટ્રી ફાર્મમાં આ ચેપ ન ફેલાય તે માટે વહીવટી ટીમો દ્વારા સઘન તપાસ અને સેનિટાઈઝેશનની પ્રક્રિયા કરાઇ છે. નવાપુર તાલુકામાં કુલ 38 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી 27 પોલ્ટ્રી ફાર્મમાં મરઘાપાલનનો વ્યવસાય કરવામાં આવતો હતો. બર્ડ ફ્લુને કારણે હવે 90 દિવસો સુધી પોલ્ટ્રી વ્યવસાય બંધ રહેશે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ બાયો-સિક્યોરિટી પ્રમાણે ઉપાયો કરવા માટે પોલ્ટ્રી વ્યવસાયીઓને સૂચના આપવામાં આવી છે. તેમને નુકસાન વળતર મળે તે માટે પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે.> ડૉ. સંજય ખાચણે, ઉપઆયુક્ત, પશુપાલન વિભાગ, નંદુરબાર
Read Original Article →