નવસારીના નવા કલેક્ટર તરીકે મનીષ ગુરવાનીએ પદભાર સંભાળ્યો:ગાંધીધામ મ્યુનિ. કમિશનર પદેથી બદલી, અધિકારીઓએ સ્વાગત કર્યું

Gujarat5/15/2026, 1:14:59 PM
નવસારીના નવા કલેક્ટર તરીકે મનીષ ગુરવાનીએ પદભાર સંભાળ્યો:ગાંધીધામ મ્યુનિ. કમિશનર પદેથી બદલી, અધિકારીઓએ સ્વાગત કર્યું
રાજ્ય સરકાર દ્વારા કરાયેલી IAS અધિકારીઓની બદલીના ભાગરૂપે મનીષ ગુરવાનીએ નવસારી જિલ્લાના નવા કલેક્ટર તરીકે વિધિવત્ પદભાર સંભાળ્યો છે. તેઓ અગાઉ ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. શુક્રવારે નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા મનીષ ગુરવાનીનું જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પદભાર સંભાળ્યા બાદ તેમણે જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિ અંગે પ્રાથમિક ચર્ચા કરી. મનીષ ગુરવાની ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. શહેરી વિકાસ અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં તેમનો અનુભવ નવસારી જિલ્લા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. રાજ્ય સરકારે તેમની કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપી છે. નવસારી જિલ્લો આદિજાતિ વસ્તી ધરાવતો અને પ્રવાસન ક્ષેત્રે ઊભરતો જિલ્લો છે. નવા કલેક્ટરના નેતૃત્વમાં જનકલ્યાણ યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, દાંડી અને ઉભરાટ જેવા પ્રવાસન સ્થળોનો વિકાસ તેમજ સુશાસન પર ભાર મૂકવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જિલ્લાના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વમાં નવસારી જિલ્લો વિકાસના નવા સોપાન સર કરશે.
Read Original Article →