વોર્ડ-13ની મતદાર સ્લીપમાં બીજાનો ફોટો પ્રકરણમાં:જાહેરમાં માફી માંગવા અને માનહાનિનું વળતર ચૂકવવા વકીલે નોટિસ ફટકારી

Gujarat5/21/2026, 12:00:00 AM
નવસારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં વોર્ડ નંબર-13ના ભાજપના મહિલા ઉમેદવારની મતદાર સ્લીપમાં અન્ય મહિલા કાર્યકરનો ફોટો ગેરકાયદેસર રીતે છાપી દુરુપયોગ કરાયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારોને એડવોકેટ મારફતે કાનૂની નોટિસ ફટકારાતા રાજકીય ગરમાવો વધ્યો છે. જમાલપોરના રહેવાસી ગૌરક્ષક સાજન ભરવાડના પત્ની મિનલબેન ભરવાડે એડવોકેટ પરેશકુમાર વાટવેચા મારફતે ભાજપના પ્રદેશ પ્રમુખ, નવસારી જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ ધારાસભ્ય અને વોર્ડ નં. 13ના વિજેતા ઉમેદવાર માધવીબેન શેઠને નોટિસ પાઠવી છે. નોટિસમાં આક્ષેપ કરાયો છે કે મિનલબેને ભાજપમાંથી વોર્ડ નં. 13 માટે ટિકિટ માંગી હતી ત્યારે ખેંચાયેલા ફોટોગ્રાફનો ઉપયોગ માધવીબેન શેઠના નામ આગળ મતદાર સ્લીપમાં કરાયો હતો. મિનલબેનની લોકપ્રિયતાનો ગેરલાભ લેવા અને મતદારોને ગેરમાર્ગે દોરવા માટે તેમની મંજૂરી વિના 20 હજારથી વધુ આવી સ્લીપો વહેંચાઈ હતી. આ કૃત્યથી તેમની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે. કાનૂની નોટિસમાં તમામ જવાબદારોને 7 દિવસમાં બે જાણીતા દૈનિક સમાચાર પત્રોમાં લેખિત માફી માગવા, ભવિષ્યમાં ફોટો ન વાપરવાની ખાતરી આપવા અને માનહાનિનું વળતર ચૂકવવાની માંગ કરાઈ છે. માંગ ન સ્વીકારાય તો ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફોજદારી તેમજ સિવિલ રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.
Read Original Article →