લેન્ડ ગ્રેબિંગ:વિરાવળમાં કરોડોની જમીન પચાવી પાડનારા 9 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

Gujarat5/22/2026, 12:00:00 AM
નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિરાવળ ગામે જમીન પચાવી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વિરાવળ ગામની ખેતીની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, તાર ફેન્સિંગ કરી જમીન પચાવી પાડવા બદલ નવસારી પોલીસે 9 સામાવાળાઓ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 લેન્ડ ગ્રેબિંગ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જલાલપોરના માણેકપોર- ટંકોલીમાં રહેતા અને ફરિયાદી ગંગાબેન સોમાભાઈ આહિરની માલિકીની વિરાવળ ગામે ખાતા નંબર 358, બ્લોક/સર્વે નંબર 328(બ)ની 1434.00 ચોરસ મીટર જૂની શરતની ખેતીની જમીન આવેલી છે. તેના પર એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે 9 જણાએ જમીન પર કબ્જો કરી તાર ફેન્સિંગ કરી દીધું હતું. આ બાબત ધ્યાને આવતા માણેકપોર-ટંકોલી ખાતે રહેતા ગંગાબેન આહીરે આ ગેરકાયદેસર કબ્જો ખાલી કરવા માટે આરોપીઓનો રૂબરૂ સંપર્ક કર્યો, ત્યારે તમામ આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદી સાથે ગાળાગાળી કરી, ઝઘડો આદરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર મહિલાએ નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બનાવની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય કરી રહ્યા છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેવી રીતે દાખલ કરી શકાય? ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવા માટે સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર કચેરીમાં નિર્ધારિત ફોર્મ અને પુરાવા સાથે જિલ્લા સ્તરીય કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. કલેકટરની અધ્યક્ષતાવાળી સમિતિ આ મામલે તપાસ કરાવી મંજૂરી આપે, ત્યારબાદ જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં 7 દિવસની અંદર FIR દાખલ કરી શકાય છે.
Read Original Article →