વાહન ચાલકોને હાલાકી:રેલવે સ્ટેશન પૂર્વે હોટલ પાસે ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડથી ટ્રાફિક જામ
નવસારી રેલવે સ્ટેશન (પૂર્વ)માં આવેલ કેટલીક હોટલ બહાર રોડ પર અંદાજે 20 ફૂટ સુધી ગેરકાયદેસર પાર્કિંગ થતું હોવાના કારણે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન વધી રહ્યું છે. રેલવે ટિકિટ બારી (પૂર્વ) તરફથી આવતા 2, 3 અને 4 વ્હીલર વાહનોને RJD મોલ પાસેથી યુ-ટર્ન લઈ આગળ જવું જોઈએ, પરંતુ ઘણા વાહનચાલકો રોંગ સાઇડમાં સીધા સ્ટેશન નજીક આવેલ હોટલ પાસેથી સાંઢકૂવા/ફુવારા તરફ જતા જોવા મળે છે. ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઇડ વાહન વ્યવહારના કારણે કાયદેસર લેનમાં જતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાય છે. નવસારી શહેરમાં કેટલીક હોટલો રાત્રે 2-3 વાગ્યા સુધી ચાલુ રહેતી હોવાના કારણે મોડીરાત્રે માથાભારે તત્વોની અવરજવર વધતી હોવાની ફરિયાદ છે. સ્થાનિકોને અસુરક્ષાની લાગણી થાય છે અને નાના કારણોસર કાયદો- વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે. રાત્રીના 11 વાગ્યા સુધીમાં હોટલો બંધ કરવાનો નિયમ ફરી લાગુ પાડો અગાઉની જેમ રાત્રે 11 વાગ્યા બાદ હોટલો બંધ કરવાનો નિયમ ફરી કડક અમલમાં મૂકવો જોઈએ. સાથે ટ્રાફિક વિભાગ અને મહાપાલિકા તંત્રે હોટલ વિસ્તારમાં પાર્કિંગ દૂર કરવું, રોંગ સાઇડ વાહનચાલકો સામે કાર્યવાહી કરવી અને પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. >રાકેશ શર્મા, નવસારી
Read Original Article →