સમાજમાં આક્રોશ:‘હક નહીં મળે તો લોકશાહી ઢબે આંદોલન,કાયદાકીય યુદ્ધ છેડાશે!’
દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને OBC સમાજના અગ્રણીઓ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરપારની લડતનું રણશિંગું ફૂંકી દીધું છે. બંધારણીય હકોની રક્ષા અને શૈક્ષણિક અન્યાય સામે સમાજે કાયદેસર અને આક્રમક રજૂઆત કરી સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. આવેદનપત્રમાં સૌથી મોટી માંગણી વર્ષ 2026-27ની રાષ્ટ્રીય વસ્તી ગણતરીને લઈને કરવામાં આવી છે. અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો છે કે ઓબીસી સમાજની અલગથી આંકડાગણતરી કરી તેનો સત્તાવાર ડેટા કેમ જાહેર કરવામાં આવતો નથી ? સામાજિક સ્થિતિ અને વસ્તીના વાસ્તવિક આધારે જ નીતિ નિર્માણ થવું જોઈએ, જેથી સમાજને તેનો સાચો હક મળી શકે. આ રજૂઆત દરમિયાન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત કોળી સમાજ દ્વારા જાહેર અપીલ કરવા છતાં આંદોલનને નબળું પાડવા માટે કેટલાક રાજકીય અને અસામાજિક તત્વો સક્રિય થયા હતા. અમુક ચોક્કસ લોકોને બચાવવા અને સમાજ ભેગો ન થાય તેવા હીન પ્રયાસો કરવામાં આવ્યા, જેના કારણે હાજરી પાંખી જોવા મળી હતી. આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, હજુ આગામી દિવસોમાં પણ ઉગ્ર રજૂઆતો થવાની છે, ત્યારે આખો બક્ષી પંચ સમાજ જાહેરમાં આવીને પોતાના હક માટે લડશે. GCAS એડમિશનમાં ખુલ્લો અન્યાય: OBC વિદ્યાર્થીઓ પાસેથી બમણી ફી કેમ?....
શિક્ષણના નામે થતી લૂંટ અને ભેદભાવ સામે સમાજે આવેદનમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. GCAS એડમિશન પ્રક્રિયામાં અન્ય અનામત વર્ગો માટે ફી માત્ર રૂ. 150 છે, જ્યારે OBC વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 300 કેમ વસૂલવામાં આવે છે? આ ખુલ્લી અસમાનતા તાત્કાલિક દૂર કરી ફી સમકક્ષ કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે OBC વર્ગને પણ ‘ફ્રી શિપ કાર્ડ'' યોજનાનો તાકીદે લાભ આપવા અનુરોધ કરાયો છે. "કોળી સમાજને નાબૂદ કરવાનું ગુજરાત સરકારનું ષડયંત્ર! "
બંધારણની કલમ 14, 15 અને 16 તમામ નાગરિકોને સમાનતા અને પછાત વર્ગોને વિશેષ સંરક્ષણની ગેરંટી આપે છે. તેમ છતાં GCAS એડમિશન ફીમાં OBC વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે. સરકારે તાત્કાલિક ધોરણે ફી ઘટાડીને રૂ. 150 કરવી જોઈએ અને વસ્તી ગણતરીમાં પણ અલગ સ્થાન આપવું જોઈએ. જો સમાજને શૈક્ષણિક હકો અને ફ્રી શિપ કાર્ડનો લાભ નહીં મળે, તો અમે કાયદાકીય લડત આપીશું. અમુક વિઘ્નો આવ્યા છે, પણ સમાજના હક્કો માટે લડત અગ્રેસર રહેશે!" > ઉમેશ પટેલ,પ્રમુખ, દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લામાં બક્ષી પંચ સમાજની સંખ્યા 3.90 લાખથી વધુ છે
નવસારી જિલ્લાનું વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબમાં કુલ વસ્તી આશરે 13.29 લાખ પૈકી અનુસૂચિત જનજાતિ આશરે 48.11%, અનુસૂચિત જાતિ આશરે 2.07% અને બાકી રહેતી વસ્તી 50% માં બક્ષી પંચ (OBC) સમાજની વિવિધ જ્ઞાતિઓ (જેમ કે કોળી પટેલ, આહીર, દરજી, પ્રજાપતિ, લુહાર વગેરે), સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી) અને લઘુમતી સમુદાયનો સમાવેશ થાય છે. નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બક્ષી પંચ સમાજની વસ્તી ખૂબ જ નોંધપાત્ર અને નિર્ણાયક 20થી 25%ની સંખ્યામાં છે.
Read Original Article →