ભાજપે ટિકિટ માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફરજિયાત કરી:ઉમેદવારોએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની વિગતો આપવી પડશે
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ મેળવવા માટે માત્ર ગ્રાઉન્ડ વર્ક જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા પણ નિર્ણાયક પરિબળ બનશે. ભાજપે પ્રથમ વખત દાવેદારી ફોર્મમાં ઉમેદવારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોવર્સની વિગતો ફરજિયાત કરી છે. ડિજિટલ યુગના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને, ભાજપે ઉમેદવારના ફોર્મમાં એક વિશેષ કોલમ ઉમેરી છે. જેમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેદવારના કેટલા ફોલોવર્સ છે તેની સચોટ માહિતી આપવી પડશે. પક્ષનું માનવું છે કે જે ઉમેદવાર ડિજિટલ માધ્યમથી મતદારો સાથે જોડાયેલા છે, તેઓ ટૂંકા સમયમાં પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહ 3,500 થી વધુ ફોલોવર્સ ધરાવે છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના 3,000 થી વધુ ફોલોવર્સ છે. વિજલપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદી પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા હવે જીતનું અગત્યનું પાસું છે. અમારા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની સાથે ગ્રાઉન્ડ લેવલ પર પણ 'હોમ-ટુ-હોમ' સંપર્કમાં છે. આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપ નિશ્ચિતપણે વિજય મેળવશે." એક તરફ ભાજપ હાઈટેક પ્રચાર તરફ વળી રહ્યું છે, ત્યારે નવસારી કોંગ્રેસે આ અભિગમથી અંતર જાળવ્યું છે. કોંગ્રેસ હજુ પણ પરંપરાગત જનસંપર્ક પર ભાર મૂકી રહી છે અને સોશિયલ મીડિયા ફોલોવર્સને પ્રાથમિકતા આપતી નથી. નવસારી શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજન જોશીએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયાના ફોલોવર્સની વિગતો આપવી જરૂરી નથી. અમારા માટે ઉમેદવારનો વોર્ડમાં મતદારો સાથેનો સીધો અને રૂબરૂ સંપર્ક જ સૌથી મહત્વનો છે." ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનું વધતું પ્રભુત્વ
આધુનિક સમયમાં સોશિયલ મીડિયા પ્રચાર માટેનું સબળ શસ્ત્ર બની ગયું છે: ટાર્ગેટેડ કેમ્પેઈન: ડેટા એનાલિટિક્સ દ્વારા યુવાનો અને ચોક્કસ વિસ્તારના પ્રશ્નો મુજબ જાહેરાતો પ્રસારિત કરવામાં આવે છે. વીડિયો માર્કેટિંગ: રીલ્સ અને ટૂંકા વીડિયો દ્વારા પક્ષની વિચારધારા ઝડપથી ફેલાવી શકાય છે. વોટ્સએપની તાકાત: આઈટી સેલ દ્વારા પાયાના સ્તર સુધી ગ્રાફિક્સ અને મેસેજ પહોંચાડવા સરળ બન્યા છે. પડકારો: ડિજિટલ પ્રચારની સાથે ફેક ન્યૂઝ અને ટ્રોલિંગ જેવી નકારાત્મક અસરો પણ જોવા મળે છે. જે ઉમેદવારો ટેકનોલોજીથી દૂર છે, તેમના માટે બદલાતા સમય સાથે તાલ મિલાવવો હવે કપરું બનશે.
Read Original Article →