‘વળતર યોજના' જાહેર:મિલકત વેરામાં 10% વળતરની સુવર્ણ તક પરંતુ પ્રોપર્ટી ટેક્સ સાથે મોબાઇલ લીંક કરવું ફરજીયાત
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. મહાપાલિકા દ્વારા મિલકત વેરામાં આર્થિક રાહત આપતી વિશેષ ‘વળતર યોજના' જાહેર કરવામાં આવી છે. જો તમે પણ તમારા પૈસા બચાવવા માંગો છો, તો આગામી 30 જૂન 2026 સુધીમાં તમારો પ્રોપર્ટી ટેક્સ ભરીને આ સ્કિમનો લાભ લઈ શકો છો. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યાનુસાર, જે નાગરિકો 30 જૂન 2026 સુધીમાં પોતાનો મિલકત વેરો એડવાન્સ અથવા સમયસર જમા કરાવશે, તેમને કુલ વેરાની રકમ પર 10% નું આકર્ષક વળતર (રિબેટ) આપવામાં આવશે. છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલા તે પહેલાના ધોરણે ટેક્સ ભરી દેવા મહાપાલિકાએ અનુરોધ કર્યો છે. મહાપાલિકાએ આ વખતે ટેક્સ પેયર્સ માટે એક ખાસ શરત અને અપીલ પણ મૂકી છે. મહાપાલિકાની ડિજિટલ સેવાનો સીધો લાભ લેવા માટે પ્રોપર્ટી ટેક્સ ખાતા સાથે મોબાઈલ નંબર લીંક હોવો અત્યંત જરૂરી છે. નંબર અપડેટ કરાવવાથી વેરાની ડિજિટલ પહોંચ સીધી મોબાઈલ પર મળશે, ટેક્સ ભરવાના રિમાઇન્ડર અને મેસેજ ઘરેબેઠાં મળી જશે. આ માટે કરદાતાઓએ સત્વરે મહાપાલિકાના ‘વેરા વિભાગ' (ટેક્સ બ્રાન્ચ) નો સંપર્ક કરવાનો રહેશે. વેરા વિભાગે અપીલ કરતાં જણાવ્યું છે કે, "સમયસર કરની ચૂકવણી કરો અને તમારું ધન બચાવો.’ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતો આ ટેક્સ શહેરના રસ્તા, પાણી, લાઈટ અને સ્વચ્છતા જેવા વિકાસ કાર્યોમાં સીધો વપરાય છે. એડવાન્સ ટેક્સ ભરનારની સંખ્યામાં થઇ રહેલો વધારો
મનપામાં એડવાન્સ ટેક્સ ભરનારની સંખ્યા વધી રહી છે. વર્ષ-2023-24માં 32 હજાર લોકોએ 12.50 કરોડ, વર્ષ-2024-25માં 38500એ રૂ.14.80 કરોડ તો વર્ષ-2025-26માં 45 હજાર લોકોએ રૂ.17.20 કરોડ એડવાન્સ ટેક્સ ભર્યાની ચર્ચા છે.
Read Original Article →