શિક્ષિકા અનિતાબેન ભંડારી ગણદેવી નગરપાલિકાના પ્રમુખ બન્યા:કોંગ્રેસના મેન્ડેડ વિવાદ વચ્ચે 22 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાને આખરે નવા મહિલા પ્રમુખ મળ્યા છે. અનિતાબેન ભંડારીની ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે. તેમની સાથે રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ અને પિનાકીનભાઈ પંડ્યા કારોબારી અધ્યક્ષ તરીકે નિમાયા છે. આ સાથે પાલિકાના નવા શાસક પક્ષનું માળખું સ્પષ્ટ થયું છે. નવા પ્રમુખ અનિતાબેન ભંડારી વ્યવસાયે શિક્ષિકા છે. તેઓ છેલ્લા દસ વર્ષથી સક્રિય રાજકારણમાં કાર્યરત છે. જોકે, તેમણે પોતાના જીવનની આ પ્રથમ ચૂંટણી લડી હતી અને પ્રથમ પ્રયાસે જ તેઓ ગણદેવી નગરપાલિકાના પ્રમુખ બનવામાં સફળ રહ્યા છે. અનિતાબેન ભંડારી રાજકીય ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ જાણીતા છે. તેમણે MA. D.A. Arts સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા ૨૯ વર્ષથી ગણદેવીની સ્થાનિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ ભંડારી સમાજમાં અગ્રણી મહિલા નેતા તરીકે ઓળખાય છે અને છેલ્લા પાંચ વર્ષથી ભંડારી સમાજના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજિક સંગઠનમાં તેઓ છેલ્લા દસ વર્ષથી કારોબારી સભ્ય તરીકે પણ કાર્યરત છે. ગણદેવી નગરપાલિકાની આ ચૂંટણી પ્રક્રિયાએ સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ધ્યાન ખેંચ્યું હતું. કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાવાની હતી. જોકે, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના અણઘડ આયોજનને કારણે મોટો ઉલટફેર થયો. કોંગ્રેસના અંદાજે 22 ઉમેદવારોના સત્તાવાર 'મેન્ડેડ' (પક્ષનું સંમતિ પત્રક) સમયસર પહોંચી શક્યા નહોતા. સમયસર મેન્ડેડ જમા ન થવાને કારણે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદબાતલ થયા. આના પરિણામે કોંગ્રેસને માત્ર બે જ વોર્ડમાં મર્યાદિત બેઠકો પર ચૂંટણી લડવાની ફરજ પડી હતી.
Read Original Article →