દુર્ઘટના:જલાલપોરના ચોખડ ગામે પ્લાસ્ટિક થેલી-કપાસના ગોડાઉનમાં આગ

Gujarat4/12/2026, 12:00:00 AM
દુર્ઘટના:જલાલપોરના ચોખડ ગામે પ્લાસ્ટિક થેલી-કપાસના ગોડાઉનમાં આગ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા મરોલી સ્ટેટ હાઇવે પર આવેલા ચોખડ ગામની સીમમાં સોસાયટીની બાજુમાં આવેલા પ્લાસ્ટિક અને કપાસના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોતાના સ્તરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ વધુ ભભૂકી ઊઠતા નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ગોડાઉન પાસે જ હલીમા સોસાયટી આવેલી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં પ્લાસ્ટિક અને કપાસના માલને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખોનું નુકસાન થયાનું અનુમાન છે. જલાલપોર તાલુકાના વેસ્મા પંથકમાં ઘણા સમયથી આગની ઘટના બની રહી છે. જેને લઇ ફાયર બ્રિગેડ દ્વારા કંપનીઓમાં જઇ આગથી કેવી રીતે બચવી જોઇએ તેની તાલીમ પણ આપવી જોઇએ.
Read Original Article →