કાર્યવાહી:નવસારી વિરાવળ માર્કેટ પાસે કેનાલને કચરાપેટી બનાવનારા 4 શખ્સોને દંડ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિરાવળ માર્કેટ નજીક અજાણ્યા ઇસમો દ્વારા કેનાલમાં માછલીના થર્મોકોલ બોક્સ અને અન્ય કચરો ફેંકી ગેરકાયદેસર રીતે ગંદકી ફેલાવી હતી. આ અંગેની ફરિયાદને પગલે પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવી કડક ઝુંબેશ હાથ ધરી હતી અને સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. નવસારી મહાપાલિકાની ટીમે જાહેર માર્ગ અને કેનાલમાં કચરો ફેંકનારા 4 લોકો પાસે રૂ. 3300થી વધુ દંડ લીધો હતો. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ મચ્છી માર્કેટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકી કરનારાઓ સામે આ જ પ્રકારે આકરા આર્થિક દંડની ઝુંબેશ ચાલુ રહેશે. કમિશનરની સરપ્રાઇઝ વિઝિટ બાદ એક્શન
વિરાવળ માર્કેટ અને કેનાલ રોડ પર વધી રહેલી ગંદકીની ફરિયાદ વચ્ચે નવસારી મહાપાલિકાના કમિશનરે આ વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી હતી. સ્થળ પર માછલીના વેપારીઓ દ્વારા ફેંકાયેલા થર્મોકોલ બોક્સ અને ગંદકી જોઈ તેઓ લાલઘૂમ થયા હતા. તેમણે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને સ્થળ પર જ કડક આદેશ આપ્યા હતા કે, "શહેરની સ્વચ્છતા સાથે ચેડા કરનાર ગમે તેટલો વગદાર હોય, તેની સામે સહેજ પણ કૂણું વલણ રાખ્યા વગર આ દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ કમિશનરે આપ્યો હતો.
Read Original Article →