આફ્રિકાથી પરત ફરેલા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું:કરતૂત છુપાવવા માટે દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ આપી; માતાએ કહ્યું- 'તેને ફાંસીની સજા થવી જોઈ'
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રી પર વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે ઘટનાની જાણ પીડિતાની માતાને થતાં ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી પિતાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપી પિતા વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યો હતો. ગત મહિનામાં સતત ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું
પીડિત દીકરીની માતા સવારે નોકરી પર જતી હતી, ત્યારે પિતા ઘરમાં એકલી રહેતી 14 વર્ષની સગીર દીકરી પર જબરદસ્તી કરતો હતો. ગત મે મહિનાની 9, 10 અને 11 તારીખના રોજ સતત ત્રણ દિવસ સુધી પિતાએ દીકરીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દીકરીએ માતાને જાણ કરતા મામલો સામે આવ્યો
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ પોતાની કરતૂત છુપાવવા માટે દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી. તેણે દીકરીને આ અંગે કોઈને પણ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે, દીકરીએ આ ભયાનક ઘટનાની જાણ તેની માતાને કરતા પિતાની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલભેગો કર્યો
દીકરી સાથે થયેલા અન્યાય બાદ માતાએ તાત્કાલિક ગણદેવી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી દુષ્કર્મ અને પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગુનો નોંધાયા બાદ ભાગી છૂટેલા આરોપી પિતાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી ધરપકડ કરી જેલભેગો કર્યો છે. ‘વર્ષ 2024થી દીકરી સાથે સતત છેડતી કરતો’
ભોગબનનારની માતાએ જણાવ્યું કે, મારી દીકરી 14 વર્ષની છે. જેના પર તેના સગા પિતાએ જ રેપ કર્યો છે. મારા પતિ વર્ષ 2019માં સાઉથ આફ્રિકા ગયા હતા અને 2024માં ત્યાંથી પરત આવ્યા હતા. વર્ષ 2024માં પરત આવ્યા બાદ તેઓ સતત મારી 14 વર્ષની દીકરી સાથે છેડતી કરતો હતો. ‘દીકરીએ ડરના માર્યા પહેલા મને જાણ કરી નહોતી’
વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ મે મહિનામાં જ્યારે હું નોકરી પર ગઈ હતી, ત્યારે ગત 9, 10 અને 11 તારીખ એમ સતત ત્રણ દિવસ સુધી તેમણે મારી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તેણે દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, જેના કારણે દીકરીએ ડરના માર્યા મને કોઈ જાણ કરી નહોતી. પરંતુ ગત 30 તારીખે દીકરીએ મને આ અંગે વાત કરતા મેં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ‘આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે’
વધુમાં જણાવ્યું કે, આ કેસમાં અમને પોલીસ વિભાગમાંથી ખૂબ જ સારો સહયોગ મળ્યો છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને જેલભેગો કરી દીધો છે. પરંતુ સરકાર સમક્ષ મારી એટલી જ માંગ છે કે, આરોપીને માત્ર સાત વર્ષની સજા નહીં, પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, હાલ આરોપીની કાયદેસર ધરપકડ કરી, રિમાન્ડ મેળવ્યાં છે અને હાલ આરોપી જેલ હવાલે છે. તેના એફ.એસ.એલ. સેમ્પલ તેમજ ડી.એન.એ. ના સેમ્પલના મેચિંગ સહિતની કાર્યવાહી ચાલુ છે.
Read Original Article →