કાર્યવાહી:વણારસી-ઉપસળમાં નહેરની સફાઇ હાથ ધરાતા ખેડૂતોને રાહત, ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવામાંથી મુક્તિ મળશે

Gujarat5/19/2026, 12:00:00 AM
કાર્યવાહી:વણારસી-ઉપસળમાં નહેરની સફાઇ હાથ ધરાતા ખેડૂતોને રાહત, ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવામાંથી મુક્તિ મળશે
વાંસદા તાલુકાના વણારસી અને ઉપસળ ગામમાંથી પસાર થતી નહેરમાં જંગલ કટિંગની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નહેરમાં ઊગી નીકળેલા ઝાડી- ઝાંખરાનું કટિંગ કરી નહેર સાફ કરવામાં આવી રહી છે, જે નવસારી જિલ્લા પંચાયત સિંચાઈ હેઠળના ચીખલી વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે. જેથી જ્યારે ચોમાસામાં નહેરમાં પાણી આવે ત્યારે આ બિનજરૂરી ઝાડી ઝાંખરાના કારણે પાણી અધવચ્ચે અટકી ન જાય. નહેરમાં જંગલ કટિંગ થઈ જવાથી હવે ચોમાસું દરમિયાન ખેડૂતોને પાણી મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન પાણી વધારે આવવાથી કચરો નહેરમાં આવેલ જુદા જુદા સ્ટ્રક્ચરોમાં ચોકઅપ થઈ જતું હતું, અને પાણી આજુબાજુના ખેતરમાં ફરી વળતું હતું, પરંતુ જંગલ કટિંગ થવાથી આ સમસ્યા પણ ઉકેલાઈ જશે. આ નહેરમાં ઝાડી ઝાંખરાના કારણે પાણી અટકી જતું હતું. જેને લઈને આગળના સ્થાનિક ખેડૂતોને હાલાકી ભોગવવી પડતી હતી, તેના તરફ તંત્રનું ધ્યાન દોરાયું છે. આ નહેરમાં જંગલ કટિંગની કામગીરી બાદ સર્વે કરવામાં આવશે ત્યારબાદ રિનોવેશન તેમજ જુદી જુદી કામગીરી કરવામાં આવશે, જેમ કે, આ નહેરમાં ચીકટિયા ગામમાં આવેલ બંધારો ચેકડેમમાંથી પાણી આવે છે, જેનું ડીસીલ્ડીંગ કરવાનું તંત્ર દ્વારા આયોજન કરાનાર છે. જો આ ચેકડેમનું ડીસીલ્ડીંગ કરવામાં આવે તો અહીં પાણીનું સંગ્રહ વધશે અને સ્થાનિક ખેડૂતોને આવનારા સમયમાં ચોમાસા સિવાયના સમયે પણ ખેતરમાં પિયત માટેનું પાણી મળી રહેશે. હાલમાં નહેરમાં જંગલ કટિંગની કામગીરી કરાઈ રહી છે. જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમસ્યાનો આ વર્ષે અંત આવશે નહેરમાં ઝાડી ઝાંખરા વધી ગયા હતા, જેના કારણે પાણી આવે ત્યારે નહેરના જુદા-જુદા સ્ટ્રક્ચરોમાં પાસે પાણી ચોકઅપ થઈ જતું હતું, અને આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળતું હતું. આ સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં ઝાડી ઝાંખરાની સફાઈ કરી દેવાતાં હવે ખેડૂતોની સમસ્યા ઓછી થશે.> વિજય પટેલ, સ્થાનિક, ઉપસળ
Read Original Article →