ખાણ ખનીજ વિભાગની ડિજિટલ ક્રાંતિ:QR કોડથી જ થશે ખનીજનું વહન, કાગળના પાસનો હવે આવશે અંત
ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના વહન માટે ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે ત્યારે ચીખલી તાલુકામાં ધમધમતા કવોરી ઉદ્યોગમાં લીઝ હોલ્ડરો, ડ્રાઇવરોને સુગમતા સાથે સમગ્ર વહીવટ પેપરલેસ થવા જઈ રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહનની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા, ખનીજ ચોરી પર લગામ કસવા માટે કાગળના રોયલ્ટી પાસના સ્થાને ક્યુઆર કોડ બેઇઝ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં મુકવામાં આવી છે અને ક્યુઆર કોડ પાસ અને વીટીએમએસ (હિકલ ટ્રેડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ)ના ડેટાને એક જ પ્લેટફોર્મ પર લીંક કરવામાં આવી છે. જેનાથી કોઈ વાહન પરમીટ વિના અથવા પરમીટનો સમય પૂરો થયા પછી પણ ખનીજનું વહન કરતું જણાશે તો આ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક એલર્ટ જનરેટ થશે. વધુમાં કાગળના પાસમાં છેડછાડ કરી એક જ પાસ પર અનેક ફેરા મારવામાં આવતા હતા તે અશક્ય બનશે. એકવાર ઉપયોગ થયેલ પાસ બીજી વાર ઉપયોગ કરી શકાશે નહીં. ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમમાં ખનીજ વહન કરતા હજારો ડ્રાઇવરોને પણ રાહત થશે, કારણ કે તેઓને હવે કાગળનો પાસ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડ્રાઇવરના મોબાઇલ પર સીધો એસએમએસ આવે અને લીંક પર ક્લિક કરતાની સાથે જ ક્યુઆર કોડવાળો પાસ જોવા મળશે. આ ઉપરાંત લીઝ હોલ્ડરો, સ્ટોક હોલ્ડરોને પણ પાસ માટે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. હવેથી તેઓ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી એક રૂપિયાના નજીવા ચાર્જમાં રોયલ્ટી પેડ જનરેટ કરી શકશે. આજ રીતે આ સિસ્ટમમાં રેકર્ડ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળવા સાથે મોનિટરિંગની પ્રક્રિયા પણ વધુ સરળ થતા કર્મચારીઓને પણ રાહત થશે. નોંધનીય છે કે ચીખલી તાલુકામાં અંદાજે 100ની આજુબાજુ લીઝ ધારકો છે અને તાલુકામાં મોટાપાયે ખનીજના વિવિધ ઉત્પાદનો થાય છે અને તેની સરળ ખનીજ વહનમાં પણ દોઢ થી બે હજાર જેટલા વાહનો સંકળાયેલા છે.
Read Original Article →