ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ને.હા.56ના ચાર બ્રિજ જોખમી છતાં 9 માસથી તંત્ર બેફિકર

Gujarat6/4/2026, 1:24:08 AM
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:ને.હા.56ના ચાર બ્રિજ જોખમી છતાં 9 માસથી તંત્ર બેફિકર
વલસાડ જિલ્લામાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ વાંસદાથી વાપી સુધી NH-56 રસ્તા પરના આંબાતલાટ,આસુરા,પારનદી તથા કોલક નદી મળી ચાર પુલ હાઇટ બેરીયર લગાવી સલામતીના પગલાંરૂપે હેવી વાહનો માટે બંધ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષે આશરે 09 મહિના અગાઉ NHAI PIU એકતાનગરમાં આવતા NH-56 ઉપરના પુલોનું મજબૂતાઇનું પરિક્ષણ IIT મુંબઈ દ્વારા કરવામાં આવી રહ્યું હતુ.જેમાં NDT ટેસ્ટ,અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસોટી ટેસ્ટ ,કોર કટિંગ અને MBIU ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી પુલમાં નીકળતી ખામીઓને દુરસ્ત કરી તમામ પુલ ભારે વાહનો માટે ખોલવામાં આવશે એવી માહિતી મળી હતી. આ ટેસ્ટીંગ NHAI દ્વારા બોડેલીથી માંડવી,કાકરાપાર સુધી થયું હતું.અને ત્યારબાદ આંબાતલાટ,આસુરા,પાર નદી અને કોલક નદી પરના પુલનું ટેસ્ટીંગ થવાનું હતુ.પરંતુ હજુ સુધી પરીક્ષણ રિપોર્ટ બાબતે NHAI ધ્વારા કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી. બ્રીજ બંધ થયાને બીજું ચોમાસુ નજીક છે.રિપોર્ટ આવ્યો અથવા નથી આવ્યો અને આવ્યો હોય તો જરૂરી સમારકામ અથવા નવા બ્રીજની જરૂર બાબતે કોઇ નિર્ણય તંત્ર દ્વારા લેવાયો નથી એવી ચર્ચા ઉઠી રહી છે.તેમજ હજુ સુધી આ બ્રિજ બાબતે કોઇ નક્કર કામગીરી થતી જોવા મળી નથી.આ ઉપરાંત બ્રિજ શરુ કરવામાં કયા કારણસર વિલંબ થઇ રહ્યો છે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ને.હા.56ના બ્રિજના ટેન્ડરના ઠેકાણા નથી કરાયા દેગામ અને નાનાપોંઢા બ્રિજ પર હાલ મોટા વાહનો પર પ્રતિબંધ યથાવત છે.બંને બ્રિજોને તોડીને નવા બનાવામાં આવશે એવી જાહેરાત અગાઉ નેશનલ હાઇવે 56ના સંબંધિત વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ,પરંતુ 9 માસ વિતવા છતાં હજુ સુધી ટેન્ડરની પ્રક્રિયા કરાઇ હોય એવું લાગી રહ્યું નથી.કારણ કે સ્થળ પર કોઇ કામગીરી જોવા મળી રહી નથી. મોટા વાહનોથી ગ્રામ્યના રસ્તા તૂટયા ગંભીરા પુલ દુર્ઘટનાની ઘટના બાદ કેટલાક બ્રિજો પર મોટા વાહનો પર પ્રતિબંધ મુકાયો હતો.જેના કારણે કપરાડા,નાસિક,ઔરંગાબાદ તરફના મોટાવાહનો ગ્રામ્યના આંતરિક માર્ગે જઇ રહ્યાં છે.જેથી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તૂટી રહ્યાં છે.ગૂગલ મેપના સહારે ગામડાંના નાના રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.જો કે હવે રાત્રીના સમયે મોટા વાહનો પ્રતિબંધ છતાં પણ આ બ્રિજો પરથી પસાર થઇ રહ્યાં છે.કારણ કે નવ-નવ માસ થવા છતાં પણ તંત્ર દ્વારા મરામત કે કોઇ કામગીરી સ્થળ પર કરાઇ નથી.
Read Original Article →