બફારાથી લોકો હેરાન:નવસારીમાં આગાહી છતાં છેલ્લા 4 દિવસથી નહિવત વરસાદ

Gujarat6/6/2026, 12:20:44 AM
નવસારી જિલ્લામાં એક દિવસ વરસાદ પડ્યા બાદ છેલ્લા 4 દિવસથી આગાહી હોવા છતાં વરસાદ પડ્યો નથી અને વરસાદની ગેરહાજરીમાં ફરી બફારાથી લોકો હેરાન થઇ રહ્યાં છે. નવસારી જિલ્લામાં સોમવારે રાત્રે મહત્તમ જગ્યાએ સાધારણ વરસાદ પડ્યો હતો. ચીખલીમાં તો 1 ઇંચથી વધુ પાણી પડ્યું હતું, ત્યારબાદ પણ મોસમ વિભાગે આગાહી કરી છતાં છેલ્લા ચાર દિવસથી નહિવત વરસાદ પડ્યો છે. વરસાદની ગેરહાજરીમાં ગરમી અને બફારાભર્યું વાતાવરણ રહેતા લોકોમાં અકળામણ જોવા મળી રહી છે. નવસારી શહેરમાં શુક્રવારે સવારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને બપોરે 36 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97 ટકા અને બપોરે પણ 65 ટકા રહેતા દિવસ દરમિયાન ભારે બફારો રહ્યો હતો. દિવસ દરમિયાન પવન સરેરાશ 7.3 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો રહ્યો હતો. આગામી પાંચ દિવસ પણ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. હાલ વરસાદની આગાહી હોવા છતાં લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યાં છે.
Read Original Article →