ચોરી:કબીલપોર GIDCમાં કંપનીમાંથી 1.20 લાખના કોપર પાર્ટ્સની ચોરી
કબીલપોર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી "ભુખનવાલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ" કંપનીના શેડને નિશાન બનાવી તસ્કરો અંદાજે 1.20 લાખની કિંમતના કોપરના કિંમતી સાધનો ચોરી કરી નાસી છૂટ્યા છે. ગત 24 મેના રોજ સાંજે કંપનીના શેડમાંથી 29.25 કિલો વજન ધરાવતી 13 નંગ કોપર ફ્લેક્સિબલ લિંક અને 24 કિલો વજન ધરાવતા 2 નંગ કોપર બેન્ડ્સ મળી કુલ 53 કિલોથી વધુનો મુદ્દામાલ ચોરી થયો હતો. આ અંગે કંપનીના કર્મચારી નીતિનભાઇ જોષીએ નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસ ચલાવી રહેલા રૂરલ પીએસઆઈ એમ.એલ. સૈયદે જણાવ્યું હતું કે, "જે કંપનીમાં ચોરી થઈ ત્યાં સીસીટીવી કેમેરા ન હોવાથી, પોલીસ આસપાસની અન્ય કંપનીઓ અને મુખ્ય માર્ગોના ફૂટેજ મેળવી રહી છે. આટલો વજનદાર સામાન કોઈ એક વ્યક્તિ એકલી ન લઈ જઈ શકે, જેથી એકથી વધુ તસ્કરો હોવાની પૂરી શક્યતા છે. વળી, કંપનીમાં આ માલ ક્યાં પડ્યો હતો તેની ચોક્કસ માહિતી હોવાથી કોઈ "જાણભેદુ" (ઇનસાઇડર) સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરાઈ છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રે જીઆઇડીસી ચોકી બંધ હોવાના આક્ષેપ સામે પોલીસે સ્પષ્ટતા કરી
નવસારી જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ ચોકી મોટાભાગે બંધ રહેતી હોવાથી કારખાનેદારોમાં નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે. આ અંગે પીએસઆઈ સૈયદે પક્ષ રાખતા જણાવ્યું કે, રાત્રિ દરમિયાન આ ચોકી કંટ્રોલ પોઇન્ટ તરીકે કાર્યરત હોય છે. ઔદ્યોગિક વિસ્તારની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ સતત તૈનાત રહે છે અને પીસીઆર વાન સહિત એક સ્પેશિયલ મોબાઈલ વાન દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવે છે.
Read Original Article →