ચીખલીની વિન્ડસન કંપનીમાં શ્રમિકનું મોત:ટેન્કર વેલ્ડિંગ દરમિયાન અકસ્માત, પરિવારનો મેનેજમેન્ટ સામે હોબાળો

Gujarat4/6/2026, 4:05:11 PM
ચીખલીની વિન્ડસન કંપનીમાં શ્રમિકનું મોત:ટેન્કર વેલ્ડિંગ દરમિયાન અકસ્માત, પરિવારનો મેનેજમેન્ટ સામે હોબાળો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની વિન્ડસન કંપનીમાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના વેલ્ડિંગ કામ દરમિયાન એક શ્રમિકનું મોત થયું હતું. ઘટના બાદ કંપનીના જવાબદાર અધિકારીઓ શ્રમિકની લાશને હોસ્પિટલ મૂકીને ફરાર થઈ ગયા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીમાં સુરક્ષા સાધનો કે સાવચેતી વગર ટેન્કરનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક રાજેશ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કંપનીના કર્મચારીઓ રાજેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યાના કલાક બાદ પણ કંપનીનો કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર નહોતો. મૃતકના ભાઈ મિતેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે, "અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મારા ભાઈની લાશ ત્યાં બિનવારસી હાલતમાં પડી હતી. મેનેજર કે માલિક કોઈ ત્યાં હાજર નહોતું. પરિવારજનોએ કંપની મેનેજમેન્ટ અને સેફ્ટી ઓફિસર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સુપરવાઈઝર દ્વારા કોઈ પણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકને જોખમી કામમાં લગાડવામાં આવ્યો હોવાથી આ દુર્ઘટના બની હોવાનું મનાય છે. હાલમાં પરિવારજનો કંપનીના માલિક અને મેનેજર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અડગ છે. બનાવની ગંભીરતાને જોતા ચીખલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કંપનીમાં સુરક્ષાના ધોરણો જળવાયા હતા કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે તપાસ બાદ જે પણ જવાબદાર હશે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. કંપની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી કે સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે આ મામલે ચીખલીના પીઆઈ પી બી પટેલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તો અકસ્માત મોત મામલે તપાસ શરૂ છે તપાસ કરતા જો કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરશો.
Read Original Article →