મનપા તંત્રની બેદરકારીને લઇ સ્થાનિકોમાં ભારે નારાજગી:નવસારીની મુસ્લિમ સોસાયટીમાં ગટર લાઇન નાંખ્યા બાદ બ્લોક ન બેસાડાયા
નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલી મુસ્લિમ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં ગટર લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તંત્ર દ્વારા રસ્તા પર ઉખેડી નાંખવામાં આવેલા બ્લોકનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું નથી. રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છોડી દેવાતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ આ પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વિસ્તારના લોકો દ્વારા તંત્રની આ ગંભીર બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સંબંધિત મનપા નવનિયુક્ત કમિશનર આ બાબતને ગંભીરતા લે અને લોકોની સુવિધા માટે અહીં તાકીદે રિપેરિંગ કામગીરી શરૂ કરાવવાની તસ્દી લેશે. નવનિયુક્ત કમિશનર તાકીદે પગલાં લે તેવી માંગ નવસારી સ્ટેશન વિસ્તારની મુસ્લિમ સોસાયટીમાં ગટર લાઇનના કામ પછી પેવિંગ બ્લોકનું રિપેરીંગ ન થતાં લોકો પરેશાન છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. મનપા આ બાબતે તાકીદે કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે. > ઇબ્રાહિમ સૈયદ, સામાજિક કાર્યકર
Read Original Article →