બીલીમોરા-ગણદેવી સરહદે કાવેરીમાં પોલ્ટ્રી વેસ્ટ ઠલવાયો:25 ગામોના પીવાના પાણીના મુખ્ય સ્રોત પર સંકટ, સ્થાનિકોમાં રોષ
બીલીમોરા અને ગણદેવી તાલુકાની સરહદે આવેલી કાવેરી નદીના પટમાં ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યા તત્વો દ્વારા હજારો સડેલા ઈંડાનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. બે થી ત્રણ ટ્રક ભરીને ઠાલવવામાં આવેલા આ પોલ્ટ્રી વેસ્ટને કારણે સમગ્ર પંથકમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. આ ઘટના આંતલિયા અને ઊંડાચ વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના કિનારે બની હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, અજાણ્યા ઈસમોએ રાત્રિના અંધારામાં અથવા વહેલી સવારે મોટા પ્રમાણમાં ખરાબ અને સડેલા ઈંડાનો કચરો નદીના પટમાં ઠાલવી દીધો હતો. આ કૃત્યથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન પહોંચ્યું છે. નોંધનીય છે કે, આ કાવેરી નદી આસપાસના ૨૫થી વધુ ગામો અને બીલીમોરા નગરપાલિકા માટે પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. પાણીના મુખ્ય સ્રોત નજીક આ પ્રકારે ગંદકી કરવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક તંત્ર અને ગ્રામજનો સક્રિય થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગામના અગ્રણીઓએ તાત્કાલિક જેસીબી મશીન મંગાવ્યું હતું. નદી કિનારે પડેલા સડેલા ઈંડાના જથ્થાને ખાડો કરીને વૈજ્ઞાનિક ઢબે ડાટી દેવામાં આવ્યો, જેથી દુર્ગંધથી રાહત મળી. કાવેરી નદીને પ્રદૂષિત કરવા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આ કૃત્ય સામે ગ્રામજનોમાં આક્રોશ છે. ગામના આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા આ મામલે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →