બીલીમોરામાં જ્વેલર્સના માલિક પર ફાયરિંગ:3 શખસનો લૂંટનો પ્રયાસ, હિંમતથી પ્રતિકાર કરતાં 'ચંચલ જ્વેલર્સ'ના ઓનર ઈજાગ્રસ્ત, આરોપીઓ ફરાર
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ આવતા બીલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે સનસનાટીભરી ઘટના બની હતી. ધોળેદહાડે 'ચંચલ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઇરાદે ત્રાટકેલા 3 અજાણ્યા શખસોએ માલિક પર ગોળીબાર કર્યો હતો. જોકે, માલિકે હિંમતભેર પ્રતિકાર કરતા લૂંટારુઓ લૂંટ ચલાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ખાલી હાથે ભાગી છૂટ્યા હતા. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હથિયાર સાથે 3 શખસ ત્રાટક્યા
બપોરના સમયે જ્યારે બજારમાં લોકોની ચહલપહલ હતી, ત્યારે 3 શખસો હથિયારો સાથે ચંચલ જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં ઘૂસીને લૂંટારુઓએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે ડર્યા વગર લૂંટારુઓનો સામનો કર્યો અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. માલિકની આ બહાદુરી સામે લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને દુકાનમાંથી કોઈ પણ કિંમતી સામાન ચોર્યા વિના જ બહાર દોડી ગયા હતા. ભાગતી વખતે એક રાઉન્ડ ફાયરિંગ
દુકાનમાંથી નાસી છૂટતી વખતે લૂંટારુઓએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 જિલ્લામાં નાકાબંધી અને પોલીસ તપાસ
આ ઘટના અંગે ચીખલી ડિવિઝનના DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "અજાણ્યા શખસો લૂંટ કરવાના ઇરાદે જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા, પરંતુ પ્રતિકારને કારણે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ શકી નથી. ભાગતી વખતે આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે." ઘટનાની ગંભીરતાને જોતા નવસારી જિલ્લા સહિત પાડોશી જિલ્લા વલસાડ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરાઈ છે.
Read Original Article →