રોષ:બે મહિનાથી લગ્ન નોંધણી સર્ટિ. માટે ‎ધક્કા ખાતા અરજદારો અને એડવોકેટ‎

Gujarat6/5/2026, 12:00:00 AM
નવસારી મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગની ઘોર બેદરકારી અને ઢીલી નીતિ સામે આવી છે. એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં એડવોકેટ દ્વારા લગ્ન નોંધણી માટે તમામ કાયદેસરના દસ્તાવેજો સાથે અરજી દાખલ કરવામાં આવી હોવા છતાં, બે મહિના વીતી ગયા પછી પણ અરજદારોને હજુ સુધી મેરેજ સર્ટિફિકેટ મળ્યું નથી. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ધર્મેશ સોલંકીના લગ્ન ગત તા. 10 ફેબ્રુઆરીના રોજ હિન્દુ રીત-રિવાજ મુજબ સંપન્ન થયા હતા. આ લગ્નની નોંધણી માટે જરૂરી તમામ પુરાવાઓ સાથે મનપાના લગ્ન નોંધણી કચેરીના અધિકારી સમક્ષ હાજર થઈ પક્ષકારોએ સહીઓ પણ કરી આપી હતી, ત્યારબાદ કચેરીના જવાબદાર અધિકારીઓએ આગળની કાર્યવાહી માટે ફાઇલ પોતાની પાસે રાખી લીધી હતી. એપ્રિલથી જૂન-2026 સુધીના બે મહિનાનો સમયગાળો વિતી જવા છતાં, કચેરીના કર્મચારીઓ દ્વારા એડવોકેટ ભરત કટારીયાને એવો લૂલો બચાવ કરીને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે કે અરજી હજુ રજિસ્ટ્રારની સહી માટે હોદ્દાની કચેરીમાં પેન્ડિંગ છે. મહાપાલિકા તંત્રની આ વિલંબભરી નીતિને કારણે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ ત્રણ દિવસ માં પ્રમાણપત્ર આપી દેવાનું હોય છે ગુજરાત સરકારના "રાઈટ ટુ સર્વિસ એક્ટ’ અને નાગરિક અધિકાર પત્રની જોગવાઈ મુજબ, તમામ દસ્તાવેજોની ચકાસણી અને પક્ષકારો-સાક્ષીઓની રૂબરૂ હાજરી બાદ વધુમાં વધુ 72 કલાક (3 દિવસ)માં લગ્નનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું હોય છે. નિયમ મુજબ કાયદેસરના દસ્તાવેજો હોવા છતાં ફાઈલો રોકી રાખવી એ સત્તાવાર બેદરકારી અને વહીવટી વિલંબ દર્શાવે છે.
Read Original Article →