નવસારીના અંતરિયાળ ગામોમાં પાણીની તીવ્ર અછત:ધારાસભ્ય અનંત પટેલે સરકારની 'નળ સે જલ' યોજના પર સવાલ ઉઠાવ્યા

Gujarat5/26/2026, 3:34:29 PM
નવસારીના અંતરિયાળ ગામોમાં પાણીની તીવ્ર અછત:ધારાસભ્ય અનંત પટેલે સરકારની 'નળ સે જલ' યોજના પર સવાલ ઉઠાવ્યા
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી અને અંતરિયાળ ગામોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ખાસ કરીને ખાટાઆંબા ગામમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે, જ્યાં ગ્રામજનો પાણી માટે માઈલો સુધી ભટકવા મજબૂર છે. સરકારની 'નળ સે જલ' યોજના અહીં કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. ખાટાઆંબા ગામના લોકોના જણાવ્યા અનુસાર, ગામમાં પીવાના પાણીનો કોઈ યોગ્ય સ્ત્રોત બચ્યો નથી. ગામની મહિલાઓ અને વૃદ્ધો દરરોજ સવારે ૫ થી ૭ કિલોમીટર પગપાળા ચાલીને પાણીની શોધમાં નીકળે છે. આટલી લાંબી મુસાફરી બાદ પણ તેમને હેન્ડપંપ કે કૂવો મળતો નથી, પરંતુ જમીનમાં બનેલા ૫ ફૂટ ઊંડા વડઝરા (ખાડા)માંથી માંડ માંડ ગાળીને પાણી ભરવું પડે છે. આ દૂષિત પાણી પીવાથી સ્થાનિકોમાં બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા માટે 'નળ સે જલ' યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરવામાં આવે છે. જોકે, વાંસદાના આ અંતરિયાળ ગામોની વાસ્તવિકતા અલગ જ ચિત્ર રજૂ કરે છે. અહીં નળ તો નાખવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણી આવતું નથી. આના કારણે સરકારી યોજનાઓની કામગીરી અને સંભવિત ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંસદાના આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આજે ખાટાઆંબા સહિતના અંતરિયાળ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે જાતે જઈને ગામની ભૌગોલિક અને પાણીની વિકટ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્યએ પાણી ભરતી મહિલાઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
Read Original Article →