સિવિલમાં OPDથી લઈને ઇમરજન્સી વોર્ડ સુધીની વ્યવસ્થાઓ ચકાસી:એજન્સીઓએ મેડિકલ કોલેજનું કામ સમયમાં પૂર્ણ કરવું પડશે : કલેક્ટર
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ શુક્રવારના રોજ નવસારી એમ.જી.જી. (સિવિલ) હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ હોસ્પિટલની દૈનિક કામગીરીઓ અંગે માહિતી મેળવી હતી. કલેકટર મનીષ ગુરવાનીએ સિવિલ કેમ્પસમાં ઓ.પી.ડી., દિનદયાલ ઔષધી સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ઈમરજન્સી વોર્ડ સહિત અન્ય વોર્ડની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ, કલેક્ટરે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધીન નવા મેડિકલ કોલેજ/ હોસ્પિટલ બિલ્ડીંગ બાંધકામની કામગીરીના પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે બાંધકામની કામગીરી ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, જિલ્લા આરોગ્ય અધિકારી રંગૂનવાલા તેમજ સિવિલ હોસ્પિટલના અન્ય અધિકારીઓ અને તબીબો હાજર રહ્યાં હતા.
Read Original Article →