મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દુર્ઘટના:ટાયર ચેક કરવા ઉતરેલા ચાલકને અન્ય ટેમ્પોએ અડફેટે લેતા મોત
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગણદેવા ગામની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અન્ય ટેમ્પો ચાલકની ગફલતને કારણે પંચમહાલના ચાલકે જીવ ગુમાવ્યો છે. મૂળ પંચમહાલના ઘોઘંબાના રહેવાસી હરીશકુમાર પ્રભાતસિંહ પરમાર (ઉ.વ. 47) પોતાના ટેમ્પો (નં. GJ-24- V-4594)માં પ્લાસ્ટિકના દાણા ભરી હાલોલથી દમણ જઈ રહ્યાં હતા. તા. 8 એપ્રિલના રોજ સવારે 6.30 કલાકે ગણદેવા ગામ પાસે તળાવના વળાંક નજીક તેમણે ટેમ્પો સાઈડમાં ઉભો રાખ્યો હતો. હરીશકુમાર નીચે ઉતરી પાછળના ટાયર ચેક કરી રહ્યાં હતા, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા અન્ય ટેમ્પો (નં.DD-01-F-9216)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હરીશકુમારને શરીરે અને જમણા જાંઘના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના સંબંધી હરેન્દ્રસિંહ ખેરની ફરિયાદને આધારે ગણદેવી પીએસઆઇ એન.એ. પટેલે ગુનો નોંધ્યો છે. પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાની હદમાં એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માત સર્જાવાની ઘટના અવારનવાર બની રહી છે. આ ઘટના પર બ્રેક લાગે તેવો પ્રયાસ કરાય તેવી માગ ઉઠી છે.
Read Original Article →