ચકચાર:કબીલપોરના યુવકે અગમ્ય કારણસર ધારાગીરી બ્રિજ પરથી પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું
નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે પર આવેલા ધારાગીરી બ્રિજ પરથી યુવકે મંગળવારના રોજ રાત્રે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. કબીલપોરનો રહીશ પાર્થ ઉર્ફે પ્રજ્ઞેશ ગૌતમભાઈ પટેલ મંગળવારની રાત્રે ધારાગીરી બ્રિજ પર પહોંચ્યો હતો, જ્યાં તેણે અચાનક પૂર્ણા નદીના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું. જ્યાં નજીકમાં માછીમારી કરી રહેલા લોકોએ યુવકને નદીમાં પડતા જોતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાત્રિના અંધકાર અને નદીના તેજ વહેણને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. ફ્રેકચર હોવા છતાં કર્મીએ ફરજ નિભાવી બચાવ કામગીરી દરમિયાન માનવતા અને ફરજનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ફાયર વિભાગના કર્મચારી નંદલાલ ટંડેલનો પગ ફ્રેકચર હોવા છતાં તેમણે પોતાની પીડાને બાજુ પર મૂકીને યુવકની શોધખોળમાં ખડેપગે સેવા આપી હતી. પરિવારની જવાબદારી તેના શિરે છેલ્લા આઠ વર્ષથી કબીલપોરમાં સ્થાયી થયેલો પાર્થ તેની માતા અને બહેન સાથે રહેતો હતો. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી તેના શિરે હતી, પરંતુ તેના આ પગલાથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
Read Original Article →