સેવા:કાળઝાળ ગરમીમાં યુવાન વેપારી લોકોને મફત છાશ અને ખમણ પીરસી રહ્યો છે
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા લોકો અકળાઈ ઉઠ્યા છે. આ ગરમી વચ્ચે નવસારીના સ્ટેશન રોડ પર એક યુવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અનોખી સેવા શરૂ કરી છે. નવસારી સ્ટેશન પર રાત્રિ બજારમાં નાસ્તાનો વ્યવસાય કરતા વિશાલ અમૃતભાઇ બારોટ નામના યુવાને 12થી 16 મે સુધી સવારે 9થી 12 વાગ્યા દરમિયાન નિઃશુલ્ક ખમણ અને છાશનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આ સેવા સ્ટેશન વિસ્તારમાં આવતા-જતા મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વિશાલ બારોટ છેલ્લા ઘણાં વર્ષોથી ઉનાળાની સિઝનમાં વિનામૂલ્યે છાશનું વિતરણ કરતા હતા. આ વર્ષે તેમણે સેવાનો વ્યાપ વધારીને મફત ખમણ આપવાનો પણ નિર્ણય કર્યો છે. દરરોજ 100 કિલોથી વધુ ખમણનું વિતરણ કરવામાં આવે છે. સવારના સમયે કામ અર્થે નીકળતા અંદાજે 500થી વધુ લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે.કાળઝાળ ગરમીમાં પેટ ઠારતા અને તરસ છિપાવતા આ સેવાકાર્ય બદલ સેંકડો લોકોએ તેમને આશીર્વાદ આપી રહ્યા છે.
Read Original Article →