ગંભીર અકસ્માત:હાઇવે નં.48 પર કાળમુખી બોલેરોએ ઇકો કારને ફંગોળી: તળાજાના બે સગા ભાઈઓ લોહીલુહાણ
નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગણદેવી નજીક આવેલા ગણદેવા ખારેલ બ્રિજ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝડપથી બોલેરો કારના ચાલકે આગળ જતી ઈકો કારને જોરદાર ટક્કર મારતાં ઈકોમાં સવાર બે સગા ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.મળતી માહિતી મુજબ, મુંબઈ-અમદાવાદ ટ્રેક પરથી પસાર થઈ રહેલી ઈકો (નં. GJ-05-RT-4112)ને પાછળથી પૂરઝડપે આવી રહેલી બોલેરો કાર (નં. MH-15-GF-0906)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી જોરદાર ટક્કર મારી દીધી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ ચોંકી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ઈકોમાં સવાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખારડી ગામના બે સગા ભાઈ દાદુભાઈ નાજાભાઈ ભંમર (ઉં.વ.27 (ફરિયાદી)ને ડાબા પગના કાંડા પર, જમણા પગના થાપાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે નાકના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે અને દાદુભાઈના ભાઈ દેસુરભાઈને જમણા પગે ફ્રેકચર થયું છે. આ ઉપરાંત ડાબા પગના ઘૂંટણ અને નળાના ભાગે પણ ઊંડા ઘા વાગ્યા છે. તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ગણદેવી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →