નવસારીના વ્હોરાવાડીમાં 10માંથી 6 હેન્ડપંપ‎બંધ:વર્ષ-2017-18 માં પાણી પુરવઠા વિભાગ દ્વારા હેંડ પંપ મુકાવ્યા પણ યોગ્ય માવજતના અભાવે બેકાર

Gujarat5/21/2026, 12:00:00 AM
નવસારીના વ્હોરાવાડીમાં 10માંથી 6 હેન્ડપંપ‎બંધ:વર્ષ-2017-18 માં પાણી પુરવઠા વિભાગ દ્વારા હેંડ પંપ મુકાવ્યા પણ યોગ્ય માવજતના અભાવે બેકાર
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ-5માં બે વર્ષ પહેલા સમાવિષ્ટ વહોરાવાડી વિસ્તાર આઝાદી બાદ વિકાસ કામોથી વંચિત રહ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરને અડીને આવેલા આ વિસ્તારમાં પહેલા આદિવાસી સમાજના લોકો મજૂરી કામ કરતા હતા. વાડીની રખેવાળી પણ કરતા હતા. પછી 5થી વધુ પરિવાર 10 થયા અને હાલ 70થી વધુ પરિવારો રહે છે. મોટાભાગે આદિવાસી પરિવારો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં પાણીની સમસ્યા હતી. વર્ષ 2017-18માં ચોવીસી ગ્રામ પંચાયતે પાણી પુરવઠા વિભાગના સહયોગથી 5થી વધુ હેન્ડપંપ લગાવ્યા હતા. સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ આપી હતી. પૂર્ણા નદીમાં રેલ આવે ત્યારે પાણીની સપાટી 22 ફૂટથી વધે છે, ત્યારબાદ વહોરાવાડીમાં પાણી ભરાય છે. વિસ્તાર બેટ બની જાય છે. આજુબાજુ પાણી જ પાણી રહે છે. પાણી ઉતરે પછી લોકો ઘર સફાઈ માટે આવે છે. હેન્ડપંપનું પાણી ડહોળું આવે છે. એ પાણીથી સફાઇ કરે છે, 15 દિવસ પછી પાણી ચોખ્ખું થાય છે. ત્યારબાદ પીવા અને વપરાશમાં લે છે. ઉનાળામાં પાણીનું સ્તર નીચું જાય છે. હેન્ડપંપમાંથી પાણી નીકળતું નથી. લોકો આજુબાજુના વિસ્તારોમાંથી પાણીની વ્યવસ્થા કરે છે. આ મુદ્દે સ્થાનિકોએ નવસારી મનપા માં પાણીની સુવિધા માટે ફરિયાદ કરી હતી. સામાજિક કાર્યકર પિયુષ ધીમ્મર અને સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો સાથે રહીશોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે વિસ્તાર ગ્રામ પંચાયતના હસ્તક હતો ત્યારે પાણી વિતરણ માટે હેન્ડપંપ લગાવાયા હતા. લાંબા સમયથી એ જ મુખ્ય સ્ત્રોત રહ્યા છે. યોગ્ય જાળવણી ન હોવાથી હાલ મોટાભાગના હેન્ડપંપ બંધ હાલતમાં છે. વિસ્તારમાં અંદાજે 70 જેટલા શ્રમિક અને મધ્યમવર્ગીય પરિવારો રહે છે. લોકો રોજનું કમાઈને રોજ ખાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેન્ડપંપ બંધ હોવાથી પાણી ભરવામાં ભારે તકલીફ પડી રહી છે. રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે આગામી ચોમાસામાં પણ આવી જ સ્થિતિ રહી તો પાણી મેળવવામાં મોટી આફત આવશે. ચોમાસાના દિવસો કાપવા મુશ્કેલ બનશે. સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે પાણીની લાઇન આપવામાં આવે. હેન્ડપંપ રિપેર કરી પાણીની તકલીફ દૂર કરવામાં આવે. ચોમાસામાં પણ ગંદુ પાણી આવતા મુશ્કેલી સ્થાનિકોએ જણાવ્યું કે પૂર્ણા નદીમાં 22 ફૂટ સપાટી વટાવી જતા આ વિસ્તાર બેટ બની જાય છે. જેને લઇ હેન્ડ પંપ પણ ડૂબી જાય છે.15 દિવસ ડહોણું પાણી આવી જતા અમારે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે છે. રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા મળી પણ... વર્ષ 2017-18માં વહોરાવાડીમાં એલઇડી લાઇટ અને પાણીના હેન્ડપંપ મુકાવ્યા હતા. રસ્તા માટે આયોજન કરાયું હતું. એક વર્ષ પહેલા રસ્તો પણ બની ગયો હતો. પાણીની રેલ વખતે બેટ બનેલા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે લઈ જવાય છે. > ઉમેશભાઇ પટેલ, પૂર્વ ઉપસરપંચ, ચોવીસી
Read Original Article →