યુવાનનું ભેદી સંજોગોમાં થયું મોત:નર્મદા પંચકોશી પરિક્રમા માટે આવેલાં‎ અમદાવાદના યુવાનનું ભેદી રીતે મોત‎

Gujarat4/10/2026, 12:00:00 AM
યુવાનનું ભેદી સંજોગોમાં થયું મોત:નર્મદા પંચકોશી પરિક્રમા માટે આવેલાં‎ અમદાવાદના યુવાનનું ભેદી રીતે મોત‎
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવા માટે આવેલાં અમદાવાદના યુવાનનું ભેદી સંજોગોમાં મોત થયું છે. અમદાવાદથી ત્રણ મિત્રો પરિક્રમા માટે આવ્યાં હતાં. રણછોડજીના મંદિર પાસે ત્રણેય બેઠા હતાં ત્યારે એક મિત્ર લઘુશંકા કરવા માટે પાર્કિંગમાં ગયો હતો અને બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં શંકાસ્પદ પાવડર, ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં સીમળાજ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર તેના મિત્રો જોડે નર્મદા પરિક્રમા કરવા ગત રાત્રીના આવ્યા હતા. અગાઉ તે 4 એપ્રિલને શનિવારના રોજ પરિક્રમા કરીને અમદાવાદ પરત ફર્યા હતા.બીજીવાર નર્મદા પરિક્રમા કરવા આવ્યા હોય નર્મદા પરિક્રમા કરીને રણછોડજી મંદિર પાસે મિત્રો સાથે બેઠા હતા. બાદમાં લઘુશંકા કરવાની કહી પાર્કિંગ વિસ્તારમાં ગયો બહુ સમય થયો ત્યારે આ દેવલ સુથાર પરત નહિ આવતા તેને શોધતા પાર્કિંગ એરિયામાં બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેની સાથેના મિત્રો અને ફરિયાદી એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કોઈએ બુંદી સેવ ખવડાવી હતી અને બાદમાં આ ઘટના બની હતી. પોલીસે પંચનામું કર્યું અને સીસીટીવી ફૂટેજ જોતા દેવલ સુથાર કોઈ સફેદ પાઉડરનો ફાંકો માર્યો અને પાણી પીધું હોય તેમ દેખાય રહયો છે. પાર્કિંગમાં લઘુશંકાના બહાને ગયેલાં દેવલને ઉલટી પણ થઇ હતી. સ્થળ પરથી સફેદ રંગનો પાવડર પણ મળી આવ્યો હતો. આ પાવડર અને ફોન સહિતની વસ્તુઓને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. રાજપીપલા ટાઉન પોલીસે હાલ અકસ્માત મોત ની ફરિયાદ લીધી છે. દેવલની હત્યા કરવામાં આવી છે કે તેણે ઝેરી પાવડર ખાઇને આપઘાત કર્યો છે તે તપાસનો વિષય બન્યો છે.
Read Original Article →