ઇંધણના વધતા ભાવો અને અછતે કોન્ટ્રાકટરોને દઝાડયાં:રસ્તાઓની કામગીરી અંગે સરકારનો નિયમ શું છે ?

Gujarat5/21/2026, 12:00:00 AM
ઇંધણના વધતા ભાવો અને અછતે કોન્ટ્રાકટરોને દઝાડયાં:રસ્તાઓની કામગીરી અંગે સરકારનો નિયમ શું છે ?
રાજપીપળા આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લામાં રસ્તાના કામો પર બ્રેક લાગી છે. હાલમાં 100થી વધારે રસ્તાઓ મંજૂર થઇ ગયા હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. કોન્ટ્રાકટર એસોસીએશને દાવો કર્યો છે કે, એક કોન્ટ્રાકટરને રોજના સરેરાશ 1,500 લિટર કરતાં વધારે ડિઝલની જરૂર પડે છે અને તેની સામે હાલ માત્ર 40 લિટર ડિઝલ મળી રહયું છે. ડિઝલનો પર્યાપ્ત જથ્થો મળતો નહિ હોવાથી પ્લાન્ટ ચાલી શકતાં નથી અને તેના કારણે રસ્તાની કામગીરી અટકી પડી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં હજી પણ પાકા રસ્તાઓનો અભાવ જોવા મળી રહયો છે. ગ્રામ્ય વિસ્તારોની કનેકટીવીટી વધારવા માટે નવા 100 જેટલા રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં છે. એક વર્ષ પહેલાં રસ્તાઓ મંજૂર થયા હોવા છતાં આજદિન સુધી કામગીરી પૂર્ણ થઇ શકી નથી. વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યાં હોવા છતાં કામગીરી શરૂ નહિ થતાં લોકો હજી હાલાકી ભોગવી રહયાં છે. રસ્તાઓના નિર્માણની કામગીરી કરતાં કોન્ટ્રાકટર એસોસીએશનના જણાવ્યાં અનુસાર એકબાજુ ડામર નો ભાવ વધી ગયો છે અને તે પણ જોઈએ એટલો મળતો નથી સાથે ડીઝલની મોટી અછત છે એક પ્લાન્ટ ચલાવવા રોજનું 1000 થી 1500 લીટર ડીઝલ જોઈએ ત્યાં માંડ કોન્ટ્રાકટર દીઠ 40 લીટર ડીઝલ મળે ત્યાં કામ કેવી રીતે કરવું તે એક સવાલ ઉભો થયો છે. રસ્તાઓની કામગીરી અંગે સરકારનો નિયમ શું છે ? ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ગુજરાત પબ્લિક વર્ક્સ મેન્યુઅલના નિયમો અનુસાર કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી, દર્શાવેલી તારીખથી સામાન્ય રીતે15 દિવસની અંદર પ્રત્યક્ષ સાઇટ પર કામ શરૂ કરી દેવાનું હોય છે. અછત અને મંજુરીનો પ્રશ્ન જિલ્લા પૂરવઠા અધિકારી ને રજૂઆત કરી છે કે અમને સ્પેશિયલ કવોટા ડીઝલના ફાળવે તો ઝડપથી કામગીરી થાય એ માટે જિલ્લા પુરવઠા અધિકારી નર્મદા ને રજુઆત કરી છે. તેમણે રાજ્ય સરકાર સાથે વાત કરી જરૂરી પુરવઠો અપાવશે એટલે જલ્દી કામગીરી ચાલુ થશે.જંગલ વિભાગના અધિકારીઓ મંજૂરી આપતાં નથી. સરકાર જંગલખાતાની મંજૂરી ઝડપથી અપાવે તો પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવાશે. > મધુ જૈન, પ્રમુખ, કોન્ટ્રાકટર એસોસીએશન નફો ઓછો થવાના ડરે કોન્ટ્રાકટરો ઝડપથી કામ શરૂ કરતાં નથીઃ જ્યારે સરકારી રસ્તાના ટેન્ડર બહાર પડે છે, ત્યારે તેમાં ડિઝલનો ભાવ તત્કાલીન બજાર કિંમત મુજબ ગણવામાં આવ્યો હોય છે. નિષ્ણાતોના મતે, જથ્થાબંધ ખરીદી પર પ્રીમિયમ અથવા અછતને કારણે જો ઇંધણનો ભાવ 20 થી30 % વધી જાય, તો કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ માર્જિન માઈનસમાં જતો રહે છે. આ તકનીકી ગણતરીના કારણે કોન્ટ્રાક્ટરો નુકસાન કરીને કામ શરૂ કરવા તૈયાર થતા નથી. એક દિવસના 1500 લિટર જેટલું ડીઝલ એક કોન્ટ્રાકટર ને જોઈએ.નર્મદા જિલ્લામાં 12 થી 15 કોન્ટ્રાકટરો છે જે રોડ ના કામો કરે છે. 15 કોન્ટ્રાકટર ગણવામાં આવે તો તેમને રોજનો 22,500 લિટર ડિઝલની જરૂર પડે છે. જેની સામે માત્ર 600 લિટર ડિઝલ મળી રહયું છે.ડામરની વાત કરવામાં આવે તો પહેલાં એક ટન ડામર 60 હજાર રૂપિયામાં મળતો હતો જેની કિમંતો વધીને હવે 93 હજાર થઇ ચુકી છે. પ્લાન્ટને ચાલુ કરવામાં હજારો લિટર ડીઝલ કે પેટ્રોલની જરૂર પડે છેઃ રોડ બનાવવા માટે વપરાતા હોટમિક્સ કે ડામર પ્લાન્ટને એકવાર ચાલુ કરવા માટે જ સેંકડો લિટર ડિઝલ માત્ર ઈંધણ તરીકે બળી જાય છે. નિષ્ણાતોના મતે, જો રોજના સરેરાશ 1500 લિટરની સામે માત્ર 40 લિટર ડિઝલ મળે, તો પ્લાન્ટ શરૂ જ ન થઈ શકે. જો પંપ બંધ-ચાલુ કરવામાં આવે તો કરોડોની મશીનરી જામ થઈ જવાનું જોખમ રહે છે.
Read Original Article →