સમસ્યા:દેડિયાપાડા અને સાગબારામાં લોકોને પાણીનાં વલખાં‎

Gujarat6/4/2026, 12:18:35 AM
નર્મદા જિલ્લાના ઉમરાન, ટીલીપાડા, રોઝઘાટ, ખાપરબુંદા, બાબદા વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વવહન સિંચાઇ યોજના અંતગર્ત પાણી છોડવામાં નહિ આવતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને ચીકદા તાલુકામાં તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને સિંચાઇ તેમજ પાણીની સુવિધા પૂરી પાડવાનો છે. જે યોજના અંતર્ગત ચિકદા વિસ્તારમાં આ યોજનાનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. જે ખૂબ સારી બાબત છે. પરંતુ ચીકદા તાલુકાના ઉમરાન, ટીલીપાડા, રોઝઘાટ, ખાપરબુંદા, બાબદા વિસ્તારમાં આવનાર ગુગલા શાખા અંતર્ગત આવનાર પાણી છોડવામાં આવી રહ્યું નથી. જેને કારણે પાણીની ભારે કટોકટી સર્જાઇ છે. પાણીના સ્તરો નીચે જતા સ્થાનિક ખેડૂતોને ખેતીકામમાં અને પાક બચાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદીઓ, ચેકડેમો તેમજ તળાવો સૂકા ભટ્ટ થઈ જવાને કારણે આસપાસમાં ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની તકલીફ ઉભી થઈ છે. સરકારની આટલી મહત્વકાંક્ષી યોજના હોવા છતાં તેનો લાભ લોકોને મળી રહ્યો નથી. ત્યારે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કયા કારણોસર આ પાણી ઉપલબ્ધ નથી તેમજ તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇન દ્વારા પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વારંવાર રજૂઆત પરંતુ પરિણામ નથી મળતું અમારા વિસ્તારના ગામોમાં નદીઓ,કોતરો તેમજ તળાવો સૂકાતા જળ સ્તરો નીચે જતા સિંચાઈ માટે તેમજ પીવાના પાણીની તકલીફ વધી ગયી છે. ત્યારે વહેલી તકે તાપી કરજણ લીંક યોજના નું પાણી આ વિસ્તારમાં છોડવામાં આવે એવી અમારી માગ છે. > અમૃત વસાવા. સ્થાનિક આગેવાન, રોઝઘાટ. તાપી- કરજણ લિંક યોજના શું છે ?‎ સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો વિસ્તાર પહાડી હોવાથી ત્યાં સામાન્ય નહેર મારફતે પાણી પહોંચાડવું અશક્ય હતું. આથી, ઉકાઈ જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન દ્વારા પાણીને ઊંચાઈ પર પમ્પ કરીને પાઇપલાઇન મારફતે ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે.ખર્ચ અને રોકાણ: આ મુખ્ય યોજના આશરે ₹651 કરોડથી ₹711 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, તેના આગામી એક્સટેન્શન (વિસ્તરણ) કાર્ય માટે બીજા ₹208 કરોડથી વધુના ખર્ચનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.
Read Original Article →