કાળઝાળ ગરમીમાં જંગલ સફારી પાર્કમાં સ્પ્રિંકલર શરૂ કરાયા:સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઝૂઓલોજી પાર્કમાં 1500થી પ્રજાતિના દેશ-વિદેશના પશુ-પક્ષી, AC અને કૂલર ગોઠવાયા
ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક (જંગલ સફારી)માં અબોલા પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રાણીઓ માટે કૂલર અને વિદેશી પશુ-પક્ષીઓ માટે ACની વ્યવસ્થા કરાઈ છે. સ્પ્રિંકલર રાખીને છંટકાવ કરાઈ રહ્યો છે. 135 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં હાલ 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં અહીં રહેતા 1500થી વધુ પ્રજાતિના દેશી અને વિદેશી પશુ-પક્ષીઓને ગરમી તેમજ ડિહાઇડ્રેશનથી રક્ષણ આપવા માટે ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે. કુદરતી માહોલ વચ્ચે આધુનિક સુવિધાઓ
જંગલ સફારી પાર્કમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉગાડીને કુદરતી જંગલ જેવો જ માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને જંગલ સફારીની ટીમ દ્વારા પૂર્વ આયોજનના ભાગરૂપે સ્થાનિક પ્રાણીઓ માટે કૂલર અને વિદેશી પશુ-પક્ષીઓ માટે ACની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર પરિસરમાં ઠંડક જળવાઈ રહે તે માટે સ્પ્રિંકલર (પાણીના ફુવારા) દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખોરાકમાં ફેરફાર, પાણીદાર ફળો અપાશે
પ્રાણીઓ અને પક્ષીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના દૈનિક ખોરાકમાં પણ ફેરફાર કરાયો છે. જંગલ સફારીના મેનેજમેન્ટ દ્વારા પશુ-પક્ષીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પાણીદાર ફળો ખોરાકમાં આપવામાં આવી રહ્યા છે. વ્યવસ્થા અંગે ડાયરેક્ટરનું નિવેદન
સરદાર પટેલ ઝૂઓલોજી પાર્કના ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીની સીધી દેખરેખ હેઠળ આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, તાપમાનનો પારો જેમ-જેમ ઊંચો જઈ રહ્યો છે, તેમ-તેમ વન્યજીવોની સુરક્ષા અને અનુકૂળતા માટે તમામ પગલાં લેવાઈ રહ્યા છે, જેથી જંગલ સફારીના પ્રાણીઓને ગરમીની કોઈ પ્રતિકૂળ અસર ન થાય.
Read Original Article →