નર્મદામાં દારૂ-જુગારમાં નેતાઓ-પોલીસની સાંઠગાંઠનો આક્ષેપ:સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રી સંઘવીને પત્ર લખ્યો, કેમિકલયુક્ત દારૂથી યુવાધનને બચાવવા માગ કરી
નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની સાંઠગાંઠથી દારૂ તેમજ જુગારના અડ્ડા ધમધમતા હોવાનો ગંભીર આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. આ અંગે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે, જેને પગલે જિલ્લાના રાજકારણ અને પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સાંસદે પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરહદથી નર્મદા જિલ્લા ઉપરાંત ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર જેવા વિસ્તારોમાં મોટા પાયે કેમિકલયુક્ત દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. આ ઝેરી દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. પત્રમાં પોલીસકર્મીઓના નામ જોગ ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં કોઈ રાજકીય નેતાના નામ જાહેર કર્યા નથી, પરંતુ ભ્રષ્ટ પોલીસકર્મીઓના નામ જોગ ઉલ્લેખ કર્યો છે. તેમણે દારૂના સપ્લાય રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનના PSIની સંડોવણી હોવાનો સીધો આક્ષેપ કર્યો છે, જેમાં ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા શંકાસ્પદ ગણાવી છે. અગાઉ SPને પણ રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રીને પત્ર લખતા પહેલા સાંસદે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને પણ આ બાબતે લેખિત રજૂઆત કરી હતી. જોકે, સ્થાનિક સ્તરે યોગ્ય કાર્યવાહી ન થતાં આખરે તેમણે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવી પડી છે. સાંસદે ગૃહમંત્રીને અપીલ કરી છે કે, "આ કેમિકલવાળો દારૂ પીને યુવાધન ખતમ થઈ રહ્યું છે, તેને તાત્કાલિક બચાવી લો." હવે આ ગંભીર પત્ર બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ ખાસ તપાસ સમિતિ નીમવામાં આવે છે કે પછી નર્મદા SP સ્તરે જ તપાસ સમેટી લેવાય છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
Read Original Article →