રાજપીપળા નજીક પ્રવાસન સ્થળો પ્લાસ્ટિક મુક્ત કરાયા:પર્યાવરણપ્રેમી નીરજ પટેલની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન; અગાઉ શહેરને પણ પ્લાસ્ટિક મુક્ત કરાયું હતું

Gujarat5/26/2026, 9:33:22 AM
રાજપીપળા નજીક પ્રવાસન સ્થળો પ્લાસ્ટિક મુક્ત કરાયા:પર્યાવરણપ્રેમી નીરજ પટેલની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન; અગાઉ શહેરને પણ પ્લાસ્ટિક મુક્ત કરાયું હતું
રાજપીપળા નજીક આવેલા બારવણઝર અને ધોબીશાલ સહિતના પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રેમી નીરજ પટેલ અને તેમની ટીમો દ્વારા આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેનો હેતુ પ્રવાસીઓ દ્વારા ફેલાવાતી ગંદકીને દૂર કરવાનો છે. ઉનાળાના વેકેશનમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ બન્યો છે. રાજપીપળાની રાજવી નગરી તરીકેની ઓળખ અને કુદરતી સૌંદર્યને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ઝરવાણી, નિનાઈ ધોધ, વિશાલ ખાડી, માંડણ જેવા સ્થળો ઉપરાંત ધોબીશાલ, બારવણઝર, રામપુરા અને ગુવાર જેવા નર્મદા અને કરજણ નદીના ઠંડા પાણીવાળા સ્થળો પણ આકર્ષણનું કેન્દ્ર છે. જોકે, પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે આ સ્થળોએ ગંદકી પણ વધી રહી છે. કેટલાક લોકો દ્વારા થતી ગંદકી સ્થળની સુંદરતા બગાડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અગાઉ, નીરજ પટેલે તેમની યુવા ટીમ સાથે રાજપીપળા શહેર અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સફળ અભિયાન ચલાવ્યું હતું. હવે તેમણે જિલ્લાના પ્રવાસન સ્થળોને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું છે. હાલમાં બારવણઝર ગામમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં નીરજ પટેલ સોશિયલ મીડિયા ટીમ, પ્રાઉડ રાઇડર્સ ઓફ નર્મદા ટીમ, પ્લાસ્ટિક ફ્રી નર્મદા ટીમ અને હોમગાર્ડ ટીમ સહિતની ટીમો જોડાઈ હતી અને આ અભિયાનને સફળ બનાવ્યું હતું. આ અંગે પર્યાવરણ પ્રેમી નીરજ પટેલે સંદેશ આપતા જણાવ્યું કે, પ્રવાસન સ્થળો પર લોકો ધંધો કરીને કમાણી કરે તે સારી વાત છે, પરંતુ સ્વચ્છતાની પણ કાળજી લેવી જોઈએ. તેમણે સૌને સ્વચ્છતા જાળવવા વિનંતી કરી. વધુમાં, નીરજ પટેલે નર્મદા જિલ્લામાં રિસાયકલ પ્લાન્ટની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે.
Read Original Article →