રાજપીપળા નગરપાલિકામાં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર:ચૂંટણી પહેલા જ બે બેઠકો પર જીત, 84 ફોર્મ માન્ય રખાયા
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના બે મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ 126 ફોર્મમાંથી 84 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 42 ફોર્મ રદ કરાયા છે. વોર્ડ નંબર 4 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર નિધિ આદિત્ય પંચાલ અને વોર્ડ નંબર 6 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર શિવાની રાહુલ માછી સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. આથી, તેઓ ચૂંટણી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 126 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પક્ષવાર ફોર્મની વિગતો જોઈએ તો, ભાજપમાંથી સૌથી વધુ 64 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રખાયા છે. કોંગ્રેસમાંથી 9 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 8 માન્ય થયા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી 22 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 21 માન્ય રખાયા છે. હવે રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા, બાકીની 26 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 15મી છે.
Read Original Article →