પોઇચા મંદિરમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ:જીવન વધારી ન શકાય પરંતુ સુધારી શકાય છે: પ્રભુ સ્વામી

Gujarat5/15/2026, 9:47:56 AM
પોઇચા મંદિરમાં શ્રીમદ ભાગવત કથા પારાયણ:જીવન વધારી ન શકાય પરંતુ સુધારી શકાય છે: પ્રભુ સ્વામી
રાજપીપળાના પોઇચા નીલકંઠધામ ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન વેલાણી પરિવારના યજમાન પદે યોજાયું. કથાના પ્રારંભ પૂર્વે આજે નીલકંઠ ભગવાન પાસે શ્રીમદ ભાગવત ગ્રંથરાજની પોથીઓનું યજમાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવતજીને મસ્તક પર ધારી પોથીયાત્રા સત્સંગ ભવને પધારી. પ્રભુ સ્વામી, શ્રીજીચરણદાસ સ્વામી, વક્તા શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામીએ તથા યજમાન ભકતોએ પૂજન કર્યું. સુરત ગુરુકુલના વિદ્યાર્થી અને સનિષ્ઠ કાર્યકર્તા કેતનભાઇ પ્રેમજીભાઈ વેલાણી દ્વારા યોજાયેલ કથા પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે જન્મ અને મરણ વચ્ચે રહેલું જીવન કેવું જીવવું એ આપણા હાથમાં છે. જીવન વધારી ન શકાય પરંતુ સુધારી શકાય છે. પ્રથમ સેશનમાં શ્રીમદ ભાગવતજીના મહિમાની કથાનું શ્રવણ શાસ્ત્રી શ્રી નીલકંઠદાસજી સ્વામીએ કરાવ્યું. ભારતનું હૂંડિયામણા ડીઝલ દ્વારા બચાવવાની અપીલ કરતા પ્રભુ સ્વામીએ યજમાન કેતનભાઇને કહ્યું કે બધા પરિવારના પોતપોતાના વાહન લઈને નીલકંધામ પોઇચા આવે એને બદલે જ મોટી બસમાં શક્ય તેટલા વધુ ભક્તો બેસીને કથા સાંભળવા પધારે જેથી ડીઝલનો વ્યય ન થાય અને હુંડિયામણ આપણા ભારતને ખર્ચવું ન પડે. કેતનભાઇએ પરિવારમાં વાત કરતા સૌએ હર્ષથી એ વિનંતીને સ્વીકારી અને બસ દ્વારા કથા સાંભળવા માટે નીલકંઠધામ પોઇચા આવ્યા. આ પ્રસંગે સુરત ગુરુકુલથી ભક્તિ તનયદાસ સ્વામી, કોઠારી હરિનંદનદાસ સ્વામી, અભિષેકદાસ સ્વામી, ધર્મનિવાસદાસ સ્વામી, વંદનપ્રિયદાસ સ્વામી, ભગવાનજીભાઈ કાકડીયા, વર્ણીન્દ્રધામ પાટડીથી અવિનાશદાસ સ્વામી, પુજારી નિરંજનદાસ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →