નર્મદા કલેક્ટરની પ્રથમ બેઠકમાં ઘર્ષણ:રોડ, વન વિભાગની મંજૂરી મુદ્દે સાંસદ-ધારાસભ્યો અકળાયા

Gujarat5/16/2026, 12:18:57 PM
નર્મદા કલેક્ટરની પ્રથમ બેઠકમાં ઘર્ષણ:રોડ, વન વિભાગની મંજૂરી મુદ્દે સાંસદ-ધારાસભ્યો અકળાયા
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રથમ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, રોડ-રસ્તા અને વન વિભાગની મંજૂરીઓ સહિતના વિવિધ મુદ્દે અધિકારીઓના વલણ સામે લોકપ્રતિનિધિઓએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં બેઠકમાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. સાંસદે ગેરકાયદે ખનન અને પેન્ડિંગ અરજીઓ મુદ્દે સવાલો કર્યા બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના દેડિયાપાડા બોગજ-ફુલસર રોડ, જંગલની જમીન ખેડતા ખેડૂતોની પેન્ડિંગ દાવા અરજીઓના નિકાલ અને ગાજરગોટા સરકારી હાઈસ્કૂલના નવા ઓરડાના બાંધકામ અંગે સંબંધિત અધિકારીઓની આકરી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેમણે સરકારી હાઈસ્કૂલોમાં પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા તેમજ પોઇચા, સિસોદરા અને ઓરી જેવા નર્મદા કિનારાના ગામોમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ અટકાવવા કડક સૂચના આપી હતી. સ્થાનિક રોજગારી અને આંગણવાડીઓના મુદ્દા રજૂ કરાયા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે રાજપીપલા શહેરથી રામગઢ ગામને જોડતા બ્રિજના સમારકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે જ તેમણે તિલકવાડા તાલુકામાં આંગણવાડીઓના રિપેરિંગ અને નવા બાંધકામ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કાર્યરત વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સમાં સ્થાનિક લોકોને રોજગારી અને નોકરીની તકો પ્રાથમિકતાના ધોરણે ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી. ચૈતર વસાવાએ અધિકારીઓને તતડાવ્યા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ સરકારી યોજનાઓ અને વન વિભાગની કામગીરી મુદ્દે અધિકારીઓ સમક્ષ સવાલોનો મારો ચલાવ્યો હતો અને સંતોષકારક જવાબ ન મળતાં અધિકારીઓને તતડાવ્યા હતા. તેમણે વિવિધ મુદ્દાઓ પર વિગતો માંગી નારાજગી વ્યક્ત કરી હતી: કલેક્ટરે સમયબદ્ધ આયોજન કરવા આદેશ આપ્યો સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે મધ્યસ્થી કરીને સ્થિતિ થાળે પાડી હતી. તેમણે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે, પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને લોકહિતના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. કલેક્ટરે તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધી, ચોક્કસ પ્લાનિંગ તૈયાર કરીને તમામ કામોનું સમયબદ્ધ અમલીકરણ કરવા કડક આદેશ આપ્યા હતા.
Read Original Article →