નર્મદામાં રક્તપિત્તના 13 નવા દર્દીઓ મળ્યા:લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન હેઠળ 30 જૂન સુધી અભિયાન ચાલશે

Gujarat6/10/2026, 12:15:29 PM
નર્મદામાં રક્તપિત્તના 13 નવા દર્દીઓ મળ્યા:લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન હેઠળ 30 જૂન સુધી અભિયાન ચાલશે
નર્મદા જિલ્લામાં રક્તપિત્ત (Leprosy) નાબૂદીના હેતુસર 8 જૂનથી 30 જૂન, 2026 સુધી 'લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન' (LCDC) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આશા વર્કર અને પુરુષ વોલન્ટિયરો દ્વારા મમતા દિવસ સિવાય ઘરે-ઘરે જઈને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના પ્રથમ બે દિવસ દરમિયાન જિલ્લામાંથી રક્તપિત્તના કુલ 13 નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા છે. આ દર્દીઓમાં એક ચેપી અને 12 બિન-ચેપી દર્દીઓનો સમાવેશ થાય છે. તમામ નવા નિદાન થયેલા દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. રક્તપિત્તમાં ચામડી પર આછા, ઝાંખા, લાલાશ પડતા ડાઘ અથવા સંવેદનાશૂન્ય ચાઠા જોવા મળે છે. અન્ય રોગોની સરખામણીમાં રક્તપિત્ત ઓછો ચેપી છે. યોગ્ય MDT (મલ્ટી ડ્રગ થેરાપી) સારવારથી આ રોગથી દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. એકવાર દવા શરૂ કર્યા પછી, દર્દી અન્ય વ્યક્તિને ચેપ ફેલાવતો નથી. નર્મદા જિલ્લામાં આ રોગના નાબૂદી માટે સતત અને સક્રિય કામગીરી ચાલી રહી છે. જિલ્લાના તમામ સરકારી દવાખાનાઓમાં રક્તપિત્તનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. નર્મદા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 નવા દર્દીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે અને તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રક્તપિત્ત હવે સંપૂર્ણપણે મટી શકે છે, પરંતુ તેના માટે નિયમિત સારવાર લેવી અત્યંત જરૂરી છે. ચેપી રક્તપિત્ત માટે 12 માસ (એક વર્ષ) અને બિન-ચેપી રક્તપિત્ત માટે 6 માસની સારવાર ફરજિયાત છે.
Read Original Article →