નાંદોદ તાલુકાના વાવડી ગામમાં જુગાર ઝડપાયો:LCB એ 4 જુગારી પકડ્યા, 4 ફરાર, 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat6/6/2026, 12:46:24 PM
નાંદોદ તાલુકાના વાવડી ગામમાં જુગાર ઝડપાયો:LCB એ 4 જુગારી પકડ્યા, 4 ફરાર, 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ચાર અન્ય જુગારીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 2,25,770 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નર્મદા LCB પોલીસને બાતમી મળી હતી કે વાવડી ગામની સીમમાં કેટલાક શખ્સો ખુલ્લી જગ્યામાં પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે LCB પીઆઈ આર.જી. ચૌધરીની સૂચનાથી LCB સ્ટાફના પોલીસકર્મીઓ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અ.પો.કો. અનિલભાઈ હરજીભાઈ અને અ.પો.કો. જીગર રમેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે વાવડી ગામની સીમમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 14,500, દાવ પરના રોકડા રૂપિયા 1,270, તેમજ મોબાઈલ ફોન, પત્તા-પાના અને વાહનો સહિત કુલ રૂપિયા 2,25,770 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ધર્મેશ રામુ વસાવા (જુનાકોટ, રાજપીપળા), કૌશિક મનોજ વસાવા (ક્લોલ, ગાંધીનગર), કમલેશ અરવિંદ વસાવા (જુનાકોટ, રાજપીપળા) અને મોઈનખાન મેહબુબખાન બલુચી (આરબ ટેકરા, રાજપીપળા) નો સમાવેશ થાય છે. આ કેસમાં વોન્ટેડ આરોપીઓમાં જૈનેશ ઉર્ફે જૈનુ રણજીત વસાવા (સોનીવાડ, રાજપીપળા), નંદેશ નાનુ વસાવા (સિંધીવાડ), ભાર્ગવ વસાવા (સુંદરપુરા) અને કૌશિક ઉર્ફે ગુરુ રામુ વસાવા (જુનાકોટ, રાજપીપળા) નો સમાવેશ થાય છે. પકડાયેલા અને ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Read Original Article →