ગરુડેશ્વરના 665 પરિવારોને રાંધણ ગેસની સમસ્યામાંથી મુક્તિ:બાયોગેસ પ્લાન્ટથી દર મહિને 30 કિલો ગેસનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બન્યા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારો રાંધણ ગેસ માટે આત્મનિર્ભર બન્યા છે. આ યોજનાથી તેમને ગેસની અછત અને ધુમાડાવાળા ચૂલામાંથી મુક્તિ મળી છે. એક વર્ષ પહેલા સરકારે ટ્રાઈબલ સદર હેઠળ 'ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ યોજના' શરૂ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગરુડેશ્વર તાલુકાને આ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં 38 ગ્રામ પંચાયતોના 89 ગામોના 1000 આદિવાસી પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 665 પરિવારોને પ્લાન્ટ ફાળવી દેવાયા છે. જે પશુપાલકો પાસે 4 થી 5 ગાયો કે ભેંસો હોય તેમને આ બાયોગેસ પ્લાન્ટ યુનિટ ફિટ કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં દરરોજ 50 કિલો છાણનો ઉપયોગ કરીને ગેસ ઉત્પન્ન થાય છે, જે રસોઈ ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પ્રક્રિયામાં 5 કિલો ગોબર સાથે 10 લીટર પાણી નાખવાથી ગેસ તૈયાર થાય છે અને બાકી રહેલો કચરો ઉત્તમ ખાતર બની જાય છે. DRDA ડાયરેક્ટર વાય.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરુડેશ્વર તાલુકામાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે. 89 ગામોમાં અમલી આ યોજનાથી 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઈંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી અપનાવવાનો છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે, જેનાથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સધ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે.
Read Original Article →