આત્મરક્ષા પ્રોજેકટમાં મોટી ગોબાચારી સામે આવી:એજન્સીએ રૂા.2 હજારમાં શિક્ષકોને ફોડ્યાં, કાગળ‎પર તાલીમ બતાવી શાળા દીઠ 15 હજારની ગ્રાંટ ચાઉં‎

Gujarat4/7/2026, 12:00:00 AM
આત્મરક્ષા પ્રોજેકટમાં મોટી ગોબાચારી સામે આવી:એજન્સીએ રૂા.2 હજારમાં શિક્ષકોને ફોડ્યાં, કાગળ‎પર તાલીમ બતાવી શાળા દીઠ 15 હજારની ગ્રાંટ ચાઉં‎
નર્મદા જિલ્લાની શાળાઓમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેકટમાં મોટી ગોબાચારી સામે આવી છે. 380 શાળાઓમાં છાત્રાઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે સરકારે શાળા દીઠ રૂા. 13 થી 15 હજારની ગ્રાંટની ફાળવણી કરી હતી પણ મોટા ભાગની શાળાઓમાં એજન્સીએ શિક્ષકોને રૂા. 2 હજાર આપીને કાગળ પર તાલીમ દર્શાવી ગ્રાંટની રકમ ચાઉ કરી લીધી હોવાની ફરિયાદ ઉઠી છે. નર્મદા જિલ્લાની અમુક શાળાઓમાં આ તાલીમ માત્ર કાગળ પર બતાવી એન્જસી અને જે તે શાળાના આચાર્યની મીલીભગતથી ગ્રાન્ટ ચાઉ કરી નાખી છે. ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વિદ્યાર્થિનીઓ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવે છે. ત્રણ મહિના સુધી છાત્રાઓને આત્મરક્ષણની તાલીમ આપવાની હોય છે. નર્મદા જિલ્લાની 380 શાળાઓમાં આ પ્રોજેકટ અમલી બનાવાયો હતો. માર્ચ મહિનાના અંતમાં આ તાલીમ આપતી એજન્સીના લોકો શાળાએ શાળાએ ફરી શિક્ષકને 2 હજાર રૂપિયાની લાલચ આપી વગર તાલીમે ગ્રાન્ટ ઉપાડી લેવાની લાલચ આપી હતી. અમુક શિક્ષકોએ એજન્સીની વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો જ્યારે અમુક શિક્ષકોએ એજન્સીની વાતોમાં આવીને માત્ર કાગળ પર તાલીમ બતાવીને સરકારી ગ્રાન્ટ ઉપાડી લીધી હતી. સમગ્ર શિક્ષા હેઠળ પ્રોજેકટનું અમલીકરણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ નામની યોજના ગુજરાત તમામની સરકારી શાળાઓમાં ચાલે છે. આ યોજના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ચલાવવામાં આવે છે અને તેનો મુખ્ય હેતુ કન્યાઓને સ્વ રક્ષણ તાલીમ આપવાનો છે. સરકારી ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8) અને માધ્યમિક શાળાઓની કન્યાઓને કરાટે, જુડો, બ્લોકિંગ, પંચિંગ, રેસલિંગ વગેરે પાયાની આત્મરક્ષા તાલીમ આપવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ટ્રેનિંગ દરમિયાન પોર્ટલમાં અપલોડ કરાયેલાં ફોટાઓની ચકાસણી જરૂરી ટ્રેનિંગના ફોટા જે તે સમયે પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. એક જ ફોટો 36 વખત અપલોડ થઈ જાય તો પણ ખબર પડે તેવું પોર્ટલમાં ઓપ્શન નથી, જેથી તપાસ જરૂરી છે. વર્ષોથી એક જ એજન્સીને ઇજારો નર્મદા જિલ્લાની શાળાઓમાં આ તાલીમ માટે વર્ષોથી એક જ વ્યક્તિને ટેન્ડર મળતું હોવાની બૂમો ઉઠી છે, જેમાં મોટા કૌભાંડની શક્યતા છે. આદિવાસી દીકરીઓની આત્મરક્ષા માટેની ગ્રાન્ટ આદિવાસી દીકરીઓ માટે ફાળવેલી ગ્રાન્ટનો સાચો ઉપયોગ અધિકારીઓ અને એજન્સીની મીલીભગતને લીધે થતો નથી. દરેક શાળા પાસે ફોટો અને વીડિયો મંગાવાયા છે: "જિલ્લાની તમામ ઉચ્ચ શાળાઓને 8 એપ્રિલ 2026 સુધીમાં તમામ આધારો રજૂ કરવા આદેશ આપ્યા છે. શંકાસ્પદ શાળાઓની વિદ્યાર્થિનીઓના વન ટુ વન નિવેદન લેવાશે. ભ્રષ્ટાચાર માલૂમ પડશે તો આચાર્ય અને એજન્સી સામે કડક કાર્યવાહી કરાશે." - નિશાંત દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નર્મદા
Read Original Article →