મહિલા સભ્યએ હોબાળો મચાવ્યો:રાજપીપળા પાલિકાના હોદ્દેદારોની ચૂંટણી ટાણે જ અપક્ષ મહિલા સભ્યએ હોબાળો મચાવ્યો
રાજપીપળા નગરપાલિકાના સભાખંડમાં એક તરફ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી તો બીજી બાજુ વોર્ડ નંબર 3 માંથી પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી વિજેતા બનનારા દામિની વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ રોસ્ટર પદ્ધતિનો વિરોધ નોંધાવ્યો હતો. અપક્ષ તરીકે માત્ર 3 સભ્યો ચૂંટાઈ આવ્યા હોવા છતાં દામિની વસાવાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં એમ જણાવ્યું હતું કે ભાજપે નકલી રોસ્ટર લાવી આદિવાસીઓને લૂંટી લીધા અને એમના હક છીનવી લીધા છે, આ ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યું હતું. સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 3 ડિસેમ્બર 2024ના નોટિફિકેશન મુજબ રાજપીપળા નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દા દર્શાવવાવામા આવેલું મહિલા અનામત માટેનુ રોસ્ટર ખોટું અને બોગસ છે. રોસ્ટરના નિયમ મુજબ જ્યાં સુધી જૂના રોસ્ટરના તમામ ક્રમનો ઉપયોગ ના થાય ત્યાં સુધી નવું રોસ્ટર અમલમાં આવી શકતું નથી.જેથી આદિજાતિના ઉમેદવાર જ આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. રાજપીપળા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 28માંથી 25 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. 28માંથી 3 બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી. અપક્ષમાંથી ચૂંટણી લડેલા દામિની વસાવાએ રોસ્ટર પધ્ધતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે તેમણે પ્રમુખમાંથી ઉમેદવારી કરી હતી.
Read Original Article →