માહિતી સચિવ ચંચલ કુમારે એકતાનગરની મુલાકાત લીધી:વિશ્વસ્તરીય સુવિધાઓ અને કાર્યક્રમોની ક્ષમતાના વખાણ કર્યા

Gujarat6/6/2026, 1:07:52 PM
માહિતી સચિવ ચંચલ કુમારે એકતાનગરની મુલાકાત લીધી:વિશ્વસ્તરીય સુવિધાઓ અને કાર્યક્રમોની ક્ષમતાના વખાણ કર્યા
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. તેમની સાથે સંયુક્ત સચિવ અજય નાગભૂષણ અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મગદુમ પણ જોડાયા હતા. આ મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન સચિવ ચંચલ કુમારે એકતાનગરની વિશ્વસ્તરીય સુવિધાઓના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એકતાનગર હવે માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે એક અનોખું પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ, કુદરતી સૌંદર્ય અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. તેમણે એકતાનગરમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા, ઉચ્ચ સ્તરની સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટેની સર્વાંગી સુવિધાઓની પ્રશંસા કરી હતી. સચિવ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, શાસકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને નીતિગત કાર્યક્રમોના આયોજન માટે એકતાનગર એક શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અહીં ઉપલબ્ધ વિશાળ આવાસ વ્યવસ્થા, કન્વેન્શન સુવિધાઓ, ઉત્તમ માર્ગ અને રેલ સંપર્ક, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસન આકર્ષણો કોઈપણ મોટા કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્ષમ છે. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરને વૈશ્વિક ઓળખ અપાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સુંદર પ્રાકૃતિક અને થીમ આધારિત સ્થળો સહિત વિવિધ આકર્ષણો ઉપલબ્ધ છે. નર્મદા નદીના કિનારે વિકસાવવામાં આવેલી સુવિધાઓ અને હરિયાળીથી ઘેરાયેલો વિસ્તાર પ્રવાસીઓને શાંતિ અને પ્રકૃતિ સાથે જોડાવાનો અવસર પૂરો પાડે છે. સચિવ ચંચલ કુમારે ખાસ નોંધ્યું હતું કે, એકતાનગરમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ ધરાવતા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શકાય તેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંના કન્વેન્શન સેન્ટરો, ઉત્તમ હોટલ અને ટેન્ટ સિટી વ્યવસ્થા, રેલવે અને માર્ગ સંપર્ક, ડિજિટલ કનેક્ટિવિટી, સુરક્ષા માળખું અને પ્રવાસન આકર્ષણો તેને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સંમેલનો, પરિષદો, વર્કશોપ, યુવા મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી બેઠકો માટે આદર્શ સ્થળ બનાવે છે.
Read Original Article →